મહારાષ્ટ્રનું રાજકારણ હાલ ચર્ચામાં છે. કાકા પર ભત્રીજો ભારે પડ્યો છે. ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવારને દિવસે તારા બતાવી દીધા છે. શરદ પવાર સાથે છેડો ફાડી એનસીપી નેતા અજિત પવાર ભાજપ ગઠબંધન સરકારમાં જોડાઇ ગયા છે. અજિત પવાર સાથે હાથ મિલાવી ભાજપે જાણે એક કાંકરે બે પક્ષી માર્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ મજબૂત બન્યું છે તો બીજી તરફ શરદ પવારની સ્થિતિ કફોડી બની રહી છે. સત્તા તો ઠીક પણ અહીં આખી પાર્ટી હાથમાંથી સરકી રહી હોય એવો ઘાટ થયો છે. શરદ પવાર માટે જાણે સમયનું ચક્ર ફર્યું છે અને હાથના કરેલા હૈયા વાગ્યા છે. સમય સાક્ષી છે કે સત્તા માટે વિરોધ જુથ સાથે હાથ મિલાવવો ‘પવાર’ માટે કંઇ નવું નથી. અજિત પવારે જે કર્યું છે એ જોતાં શરદ પવારને ભૂતકાળ જરૂર યાદ આવી ગયો હશે.
23 નવેમ્બર 2019 સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં અજીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. જાણે કે એક રાતમાં મુખ્યમંત્રીનો તખ્તો બદલાઇ ગયો હતો. સવારે મુખ્યમંત્રી બનવાના હતા ઉદ્વવ ઠાકરે પરંતુ ટીવી સ્ક્રીન પર દેવેન્દ્ર ફડણવીશ મુખ્યમંત્રી પદના શપથ લઇ રહ્યા હતા. મહારાષ્ટ્રના રાજકીય મેદાનમાં આ ઘટનાએ ભૂકંપ લાવી દીધો હતો. એ વખતે પણ અજિત પવાર કેન્દ્રમાં હતા. દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારે શપથ લેતાં શરદ પવાર રાજકીય ભીંસમાં મુકાયા હતા.
ઉપ મુખ્યમંત્રી તરીકે એનસીપી નેતા અજિત પવારે શપથ લેતાં લોકોને લાગ્યું કે એનસીપી સુપ્રિમો શરદ પવારે આ આખો ખેલ પાડ્યો છે. શરદ પવાર સામે આંગળીઓ ઉઠી હતી અને રંગ બદલતા રાજકીય કાચિંડા તરીકે સરખામણી થવા લાગી હતી. પરંતુ બાદમાં ખબર પડી કે ખેલ તો શરદ પવાર સાથે થઇ ગયો છે. ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવાર સાથે ગેમ કરી મહાઅઘાડી સંગઠનને સાથ આપવાને બદલે ભાજપ સાથે બેસી સરકાર બનાવી લીધી. જોકે એ વખતે શરદ પવારે કમાન હાથમાં લેતાં ધારાસભ્યોને અટકાવી લેતાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સરકાર ત્રણ દિવસમાં જ સમેટાઇ ગઇ હતી.પરંતુ આ ઘટનાક્રમે સત્તા માટે પવારની મહત્વાકાંક્ષા ફરી એકવાર છતી થઇ હતી.
મહારાષ્ટ્રમાં થયેલા આ રાજકીય ઉલટફેરે 41 વર્ષ પહેલા થયેલી એ ઘટનાની યાદ અપાવી દીધી જેમાં શરદ પવારે કોંગ્રેસ સાથે બગાવત કરી હતી અને મુખ્યમંત્રી બની ગયા હતા. કંઇક એવું જ ભત્રીજા અજિત પવારે હાલમાં શરદ પવાર અને એનસીપી સાથે કર્યું છે. શરદ પવાર સાથે જે કંઇ થયું એને લોકો કર્મોનું ફળ ગણાવી રહ્યા છે. શરદ પવારે શું કર્યું હતું 41 વર્ષ પહેલા? શું હતો એ કિસ્સો? આવો જાણીએ
1977 ની વાત છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જનતા પાર્ટીથી ચૂંટણી હારી ગઇ હતી. હારની જવાબદારી લેતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે આ સાથે રાજીનામું આપ્યું હતું. એમના સ્થાને વસંત પાટિલને મુખ્યમંત્રી બનાવાયા હતા. જે બાદ કોંગ્રેસના બે ફાડિયા થયા હતા અને બે જુથ સક્રિય થયા હતા.
વર્ષ 1978 માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના આ બે જુથ અલગ અલગ ચૂંટણી લડ્યા. રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર બનતી રોકવા માટે આ બંનેએ એક સાથે મળીને સરકાર બનાવી. પરંતુ શરદ પવાર અહીં પણ ન રોકાયા અને જુલાઇ 1978 માં શરદ પવારે પોતાની જ પાર્ટી છોડી દીધી. ધારાસભ્યોને તોડવામાં પણ સફળ રહ્યા.
આ ધારાસભ્યો સાથે શરદ પવાર જનતા પાર્ટી પાસે પહોંચી ગયા અને સરકાર બનાવવા માટે એમને સમર્થન આપ્યું. જનતા પાર્ટીને સમર્થન આપી શરદ પવાર ખુદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા. આ રીતે પહેલી વખત વર્ષ 1978 માં માત્ર 38 વર્ષની ઉંમરમાં જ મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો – શરદ પવારની રાજકીય સફર કેવી છે
પ્રગતિશીલ લોકત્રાંતિક ગઠબંધન કહેવાયું. રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ હજુ સુધી એમના નામે છે. પરંતુ વર્ષ 1980 માં દેશમાં ઇન્દિરા ગાંધીની સરકાર બની એમણે શરદ પવારની સરકાર બરખાસ્ત કરી. ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત મળ્યો અને એ પછી એ આર અતુલેને મુખ્યમંત્રી બનાવાયા.
મહારાષ્ટ્રમાં જે કંઇ પણ થયું એ બાદ વસંત પાટિલના પત્ની શાલિની પાટિલે કહ્યું કે, સમયનું પૈડું ફર્યું છે અને 41 વર્ષ પહેલા શરદ પવારે જે કર્યું હતું એના ફળરૂપે અજીત પવારના કદમ ચાલી રહ્યા છે. શાલિનીએ કહ્યું કે, શરદ પવારે જે વ્યવહાર વસંતરાવ સાથે કર્યો હતો એ પ્રકારનો અનુભવ એમને એમના પરિવાર તરફથી જ મળ્યો છે. અજીત પવારે ભાજપ સાથે ગઠબંધન કરીને આપ્યો છે.એ સમયે શરદ પવારને વસંત રાવ સાથે સીધી વાત કરવી જોઇએ હતી નહીં કે ગુપચૂપ રીતે ધારાસભ્યો તોડવા જોઇતા હતા. શરદ પવારે જે કર્યું છે એ વિશ્વાસઘાત પીઠમાં છુરો ભોંકવા જેવું છે.
22 નવેમ્બર 2019 ત્રણેય પાર્ટીઓ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠક બાદ શરદ પવારે ઉદ્વવ ઠાકરેને સીએમ બનવાના સંકેત આપ્યા હતા. પરંતુ શનિવારની સવારે પોણા છ વાગ્યા રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું અને સાડા સાત વાગે દેવેન્દ્ર ફડણવીશે મુખ્યમંત્રી પદના શપથ લીધી અને એનસીપી નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ ઘટનાક્રમને શરદ પવારની ફિક્સ ગેમ માનવામાં આવી હતી. કારણ કે એ વખતે બે દિવસ પહેલા જ શરદ પવાર નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એ વખતે એ અટકળો લગાવાઇ રહી હતી કે ક્યાંક પવાર ભાજપને સમર્થન આપવાના નથી ને? પરંતુ ખુદ શરદ પવાર સામે આવ્યા અને તેમણે કહ્યું કે, આ બધુ માત્ર અને માત્ર અજિત પવારનો નિર્ણય હતો.
અજિત પવારના આ નિર્ણય બાદ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ કહ્યું કે, પાર્ટી અને પરિવાર બંને તૂટ્યા છે. જોકે અજિત પવારને પાર્ટીમાંથી દુર કરવાની વાત પર શરદ પવારે કહ્યું કે, એમની સામે અનુશાસન કાર્યવાહી કરાશે. અજિત પવારને મનાવવાનો પ્રયાસ એનસીપીના નેતા છગન ભૂજબળે પણ કર્યા હતા. જોકે નિષ્ફળ રહ્યા હતા. આ વખતે શરદ પવાર અને એમના પરિવાર માટે સ્થિતિ ઘણી વિકટ છે. કારણ કે પવારના પરિવાર અને પાર્ટી બંનેમાં ભાજપે જબરજસ્ત છેદ કર્યો છે.