શિવસેનામાં ભાગલા પછી ઉદ્ધવ ઠાકરે ફરીથી પોતાને મજબૂત કરવાના પ્રયત્નમાં છે. બીએમસી ચૂંટણી પહેલા તેમણે પ્રકાશ આંબેડકર સાથે હાથ મિલાવ્યો છે. વંચિત બહુજન અઘાડી (Vanchit Bahujan Aghadi) સાથે તાલમેલની જાહેરાત ઉદ્ધવે પોતે કરી હતી. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ મોટો ઘટનાક્રમ છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ સાથે ઉદ્ધવની જુગલબંદીની બે મહિના પહેલાથી ચર્ચા ચાલી રહી હતી. જોકે તેના પર મોહર હવે વાગી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે કોંગ્રેસ અને એનસીપી આ નવા ગઠબંધનના ભાગ બનવા જઈ રહ્યા છે કે નહીં?
મહારાષ્ટ્રના ઘણા લોકો ઇચ્છતા હતા કે અમે એક સાથે આવીએ – ઉદ્ધવ ઠાકરે
નવા ગઠબંધનની જાહેરાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે 23 જાન્યુઆરી છે અને બાલા સાહેબ ઠાકરેનો જન્મ દિવસ પણ છે. હું સંતુષ્ઠ અને ખુશ છું કે મહારાષ્ટ્રના ઘણા લોકો ઇચ્છતા હતા કે અમે એક સાથે આવીએ. પ્રકાશ આંબેડકર અને હું આજે અહીં ગઠબંધન બનાવવા માટે આવ્યા છીએ. મારા દાદા અને પ્રકાશ આંબેડકરના દાદા સહકર્મી હતા અને તેમણે તે સમયે સામાજિક મુદ્દા સામે લડાઇ લડી હતી. ઠાકરે અને આંબેડકરનો ઇતિહાસ રહ્યો છે. હવે તેમની આવનારી પેઢીઓ દેશના વર્તમાન મુદ્દા પર લડવા માટે સાથે આવી છે.
પ્રકાશ આંબેડકરે કહ્યું કે આ દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત છે. કોંગ્રેસે હજુ સુધી તેમના ગઠબંધનમાં આવવાની કોઇ ઇચ્છા વ્યક્ત કરી નથી. જોકે તેમને વિશ્વાસ છે કે શરદ પવાર તેમની સાથે આવશે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશ પર બીજેપીની અલ્પસંખ્યકો સુધી પહોંચવાની મોટી તૈયારી, આ 60 લોકસભા પર ફોક્સ
એકનાથ શિંદે અલગ થતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી
શિવસેનામાં તૂટ પછી ઉદ્ધવ ઠાકરેએ બીએમસી ચૂંટણીમાં પોતાની તાકાત દેખાડવી પડશે. ત્યારે જ તે મજબૂત બનીને ઉભરી શકે છે. એકનાથ શિંદેના બળવા પછી શિવસેનામાં ભાગદોડ મચી હતી. ઘણા મોટા અને દિગ્ગજ નેતા ઠાકરે પરિવારથી અલગ થઇ ગયા હતા. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી.
પાર્ટીના સિમ્બોલનો ઉપયોગ કરવા ઉપર પણ રોક લગાવી દીધી છે. અંધેરીમાં પેટા ચૂંટણીમાં પાર્ટીનું નામ અને સિમ્બોલ અલગ આપ્યો હતો. ચૂંટણી પંચ પણ નિર્ણય કરી શક્યું નથી કે શિવસેનાનો અસલી માલિક કોણ છે. એકનાથ શિંદે પોતાને શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના સાચા સિપાહી બતાવીને દાવો કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી પર હક માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર સુનાવણી ચાલી રહી છે.