મનોજ સી જી : 2024ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં વિપક્ષી એકતાની વાતો થઈ રહી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટી અન્ય પક્ષો સાથે વાતચીત કરી રહી છે અને ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન સત્તામાં આવશે. મલ્લિકાર્જૂન ખડગેનું આ નિવેદન રાયપુરમાં યોજાનાર કોંગ્રેસના અધિવેશન પહેલા આવ્યું છે. રાયપુરમાં કોંગ્રેસી વિપક્ષી એકતા પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે.
નાગાલેન્ડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધતા ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો કે તે ધારાસભ્યો પર દબાણ કરીને કર્ણાટક, મણિપુર, ગોવા અને મધ્ય પ્રદેશમાં ચૂંટાયેલી સરકારોને પાડી દીધી હતી.
ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક બાજુ તમે લોકશાહી અને બંધારણની વાત કરો છો અને બીજી બાજુ તમારા બધા કૃત્યો અલોકતાંત્રિક છે. તમે બંધારણનું પાલન કરી રહ્યા નથી અને તમે લોકતંત્રના નિયમોથી ચાલી રહ્યા નથી. પીએમ મોદીએ ઘણી વખત કહ્યું કે હું એકલો વ્યક્તિ છું જે દેશનો સામનો કરી શકે છે, કોઇ અન્ય લોકો મને અડી શકે નહીં, તે આ ગર્વથી કહે છે. કોઇપણ લોકતાંત્રિક વ્યક્તિ આ રીતે વાત કરી શકે નહીં. તમારે યાદ રાખવું જોઈએ કે તમે લોકતંત્રમાં છો. તમારે નિરંકુશ થવું જોઈએ નહીં. તમે તાનાશાહ નથી. તમે લોકો દ્વારા ચૂંટાયા છો અને જનતા તમને 2024માં પાઠ ભણાવશે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આવતા વર્ષે કોંગ્રેસના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર સત્તામાં આવશે. અમે અન્ય પાર્ટીઓ સાથે વાત કરી રહ્યા છીએ. કારણ કે નહીંતર લોકશાહી અને સંવિધાન જતું રહેશે. તેથી અમે દરેક પાર્ટીને સમય-સમય પર ફોન કરી રહ્યા છીએ. અમે 2024 કેવી રીતે જીતીશું તે અંગે અમારા મંતવ્યો શેર કરી રહ્યા છીએ. કેટલાક લોકો કહે છે બીજેપીને બહુમતી નહીં મળે. અન્ય તમામ પક્ષો સાથે મળીને અલબત્ત કોંગ્રેસ નેતૃત્વ કરશે અને અમને બહુમતી મળશે. અમે સંવિધાનનું પાલન કરીશું. અમે લોકશાહીનું પાલન કરીશું. 100 મોદી કે શાહ આવવા દો આ ભારત છે અને બંધારણ ખૂબ જ મજબૂત છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીના નિવેદન પર એસ જયશંકરે કહ્યું- ચીનનું સાર્વજનિક રુપથી નામ લેવાથી ડરતા નથી
ખડગેની ટિપ્પણી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના તે નિવેદન પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ વિરોધ પક્ષોને એકસાથે લાવવાની દિશામાં કામ કરવા માટે કોંગ્રેસ તરફથી સંકેતની રાહ જોઈ રહ્યા છે. ખડગેની ટિપ્પણીઓ સંકેત આપે છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો હાથ મિલાવવાની વાત કરી રહ્યા છે પરંતુ તે હજુ પણ સ્પષ્ટ નથી કે શું પાર્ટી ચૂંટણી પહેલા ગઠબંધન બનાવશે કે સંખ્યાના આધારે ગઠબંધનને પસંદ કરશે.
કોંગ્રેસે વારંવાર કહ્યું છે કે તેની ચારે બાજુ વિપક્ષી એકતાનું નિર્માણ કરવું પડશે અને પાર્ટી માટે કેન્દ્રીય ભૂમિકા વિના કોઈપણ ગઠબંધનમાં રાજનીતિક મહત્વ નહીં હોય અને આ વિશ્વસનીય નહીં હોય. ખડગેની ટિપ્પણી તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) જેવા અનેક વિપક્ષી પાર્ટીને પસંદ આવશે નહીં.