Mallica Joshi, Jatin Anand: સીબીઆઇ (CBI) એ રવિવારે (26 જાન્યુઆરી) દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની દિલ્હી લીકર કેસમાં 8 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. લીકર પરની આબકારી નીતિનો મુસદો ઘડવામાં સિસોદિયાની ભૂમિકા મહત્વની હતી. તેથી તેમની પૂછપરછ કરાઇ હોવાનું માનવામાં આવે છે. સિસોદિયાએ તેમની નિકટનાં લોકોની લીકર નીતિ અંતર્ગત કરોડોનો ફાયદો કરાવી આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આવામાં સિસોયદીયાની ધરપકડ થતાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે વિરોધ પ્રદર્શન કરતા તેમને નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.
મનીષ સિસોદિયા પર આ આરોપ
મહત્વનું છે કે, સિસોદિયા પર મહત્વના પુરાવા નાશ કર્યા હોવાનો આરોપ છે. જે અંગે સીબીઆઇએ જણાવ્યું હતું કે, પુરાવાનો નાશ કરવામાં સિસોદયાની સંડોવણી હતી. દિલ્હી સરકારમાં નાણા વિભાગનો કાર્યભાર સંભાળનાર મનીષ સિસોદિયાની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે આપ સરકાર આવતા મહિને વિધાનસભામાં બજેટ રજૂ કરશે.
સિસોદિયાની ગેરહાજરી પડકારજનક
મનીષ સિસોદિયા માત્ર દિલ્હી સરકાર માટે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ માટે પણ મહત્વની ભૂમિકા ધરાવે છે. આવી પરિસ્થિતિમાં મનીષ સિસોદિયાની ગેરહાજરી પડકારજનક રહેશે.
CM કેજરીવાલનું ટ્વીટ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, “મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બધા જોઈ રહ્યા છે, લોકો બધું સમજી રહ્યા છે. લોકો આનો જવાબ આપશે. આનાથી આપણો ઉત્સાહ વધુ વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત બનશે”.

ઉલ્લેખનીય છે કે, સિસોદિયાના સમર્થકોએ સીબીઆઇ કાર્યાલય સમક્ષ ધરણા યોજ્યા હતા અને સિયોદિયા સામેની તપાસનો વિરોધ કર્યો હતો. સિસોદિયાની પૂછપરછ અને ધરપકડના વિરોધમાં આપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યું હતું. તેમજ કેન્દ્ર સરકાર સામે નારાબાજી કરી હતી. તેથી પોલીસે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સહિત 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ના બને.
સિસોદિયાની ધરપકડ પાછળના પાસાઓ
દિલ્હીની આબકારી નીતિ સંબંધિત કેસમાં રવિવારે સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ પહેલાં તેણે કહ્યું કે, “તે 7-8 મહિના સુધી જેલમાં રહી શકે છે પરંતુ ખોટા અને બનાવટી કેસથી તેઓ ડરશે નહીં. મનીષ સિસોદિયાની ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે કેમ મહત્વની છે તેના ઘણા પાસાઓ છે”.
અરવિંદ કેજરીવાલ મારા ગુરૂ: સિસોદિયા
ધરપકડ પહેલા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, “રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ મારા ગુરુ છે. તેણે મને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું છે. હું તેમને કહેવા માંગુ છું કે, કેજરીવાલજી, તમે કામ કરતા રહો. મારે 7-8 મહિના જેલમાં રહેવું પડશે પણ દેશને તમારા જેવા નેતાની જરૂર છે. લોકોની સેવા કરતા રહો. અમને તમારા પર પૂરો વિશ્વાસ છે. અમે આ જેલો, ખોટા અને બનાવટી કેસોથી ડરતા નથી. સીબીઆઈ-ઈડી જેમણે આ બનાવટી કેસ નોંધ્યા છે તે પણ જાણે છે કે અમે કંઈ ખોટું કર્યું નથી, તેઓ દબાણમાં છે”.
અરવિંદ કેજરીવાલ બાદ સિસોદિયા સૌથી મોટુ માથું
અરવિંદ કેજરીવાલ પછી આમ આદમી પાર્ટીમાં મનીષ સિસોદિયા સૌથી મોટું નામ છે. તેઓ દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણા, સતર્કતા અને શ્રમ જેવા વિભાગો સંભાળે છે. મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ તેમને આરોગ્ય, જાહેર બાંધકામ વિભાગ અને ગૃહ જેવા મુખ્ય વિભાગોનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, મનીષ સિસોદિયા માત્ર અરવિંદ કેજરીવાલ માટે જ નહીં પરંતુ સરકાર માટે પણ મહત્વપૂર્ણ વ્યક્તિ છે.
સિસોદિયાની ધરપકડ આપ માટે કેમ પડકારજનક?
આપના સૂત્રો અનુસાર, આ ધરપકડ બાદ પક્ષ નેતૃત્વ ખૂબ જ બેચેન દેખાઈ રહ્યું છે. કારણ કે આ ધરપકડ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાર્ટીના વડા અને સીએમ કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં નવા પ્રવેશની યોજના બનાવી રહ્યા છે. AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યા પછી, કેજરીવાલ તેની ચૂંટણીની સંભાવનાઓને વિસ્તૃત કરવા માટે આવતા મહિને ચાર રાજ્યો – કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પ્રવાસ પર જશે. પરંતુ આ ધરપકડ બાદ પાર્ટીની યોજનાને ફટકો પડતો જોવા મળી રહ્યો છે.
નવી આબકારી નીતિ વિવાદીત શા માટે હતી?
દિલ્હીની આપ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ રાજ્યમાં નવી દારૂ નીતિ અમલમાં મૂકી હતી. જે અંતર્ગત રાજધાનીમાં 23 ઝોન બનાવાયા હતા. દરેક ઝોનમાં વધુમાં વધુમાં 27 દુકાનો ખોલવાની હતી. એટલે કે કુલ 849 દુકાન ખોલવાની હતી. નવી નીતિમાં તમામ દારૂની દુકાનોને ખાનગી કરી દેવામાં આવી હતી.
આ પહેલા દિલ્હીમાં દારૂની દુકાનો 60 ટકા સરકારી અને 40 ટકા દુકાન ખાનગી હતી. નવી પોલિસી હેઠળ તમામ દુકાનો 100 ટકા ખાનગી થઇ ગઇ હતી.