દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને જેલ મંત્રી સત્યેન્દ્ર જૈને રાજીનામું આપી દીધું છે. આ બન્નેએ પોતાના રાજીનામા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલાવ્યા છે. જેને કેજરીવાલે મંજૂર કરી લીધા છે. બન્ને નેતાઓના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા બીજેપી નેતા અમિત માલવીયે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાના રાજીનામા માટે તૈયાર રહેવું જોઈએ.
બન્ને નેતા જેલમાં બંધ
આમ આદમી પાર્ટીના આ બન્ને નેતા જેલમાં બંધ છે. કેજરીવાલના ખાસ લોકોમાં ગણાતા સત્યેન્દ્ર જૈન લાંબા સમયથી તિહાડ જેલમાં બંધ છે. ગત દિવસોમાં તેમનો જેલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે બળાત્કારના આરોપી પાસે માલિશ કરાવતા જોવા મળ્યા હતા. મનિષ સિસોદિયાની પણ એક દિવસ પહેલા સીબીઆઈએ ધરપકડ કરી છે. હાલ તે રિમાન્ડ પર છે. નવી શરાબ નીતિમાં કથિત ભ્રષ્ટાચારને લઇને ધરપકડ કરવામાં આવી છે.
બન્નેના રાજીનામા પર બીજેપીના સાંસદ પ્રવેશ વર્માએ ટ્વિટ કરીને કહ્યું કે ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં દિલ્હીની જનતાની આજે જીત થઇ છે. આવનાર સમયમાં અરવિંદ કેજરીવાલ પણ પોતાનું રાજીનામું તૈયાર રાખે. આપના બધા ભ્રષ્ટાચારીઓએ પોતાના પાપની સજા ભોગવવી પડશે.
આ પણ વાંચો – મનિષ સિસોદિયાની CBIએ કેમ ધરપકડ કરી? પોલીસમાં ગરબડીથી લઈને અધિકારીની સાક્ષી સુધી જાણો બધું જ
મનીષ સિસોદિયા પાસે હતા 18 વિભાગ
મનિષ સિસોદિયાા કદનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તેમને દિલ્હીના મુખ્યમંત્રીએ 33 વિભાગોમાંથી 18 વિભાગ સોંપ્યા હતા. આ વિભાગમાં શિક્ષા સિવાય વિત્ત અને ગૃહ મંત્રાલય સામેલ છે. ગત વર્ષે દિલ્હી સરકારમાં મંત્રી સતેંન્દ્ર જૈન જેલમાં ગયા પછી તેમના વિભાગ પણ મનીષ સિસોદિયાને સોંપી દેવામાં આવ્યા હતા.
મનીષ સિસોદિયા પર આવી રીતે સીબીઆઈએ ગાળીયો કસ્યો
17 ઓગસ્ટ, 2022 – CBI FIR માં સિસોદિયા આરોપી નંબર 1
19 ઓગસ્ટ, 2022 – મનીષ સિસોદિયાના ઘરે CBIની રેઇડ
30 ઓગસ્ટ, 2022 – મનીષ સિસોદિયાના બેંક લોકર તપાસ્યા
17 ઓક્ટોબર, 2022 – મનીષ સિસોદિયાની 9 કલાક સુધી સીબીઆઈ પૂછપરછ
25 નવેમ્બર, 2022 – CBI ચાર્જશીટ દાખલ, મનીષ સિસોદિયાનું નામ નહીં
15 જાન્યુઆરી, 2023- મનીષ સિસોદિયાની ઓફિસમાં સીબીઆઈએ કોમ્પ્યૂટર જપ્ત કર્યા
18 ફેબ્રુઆરી, 2023- મનીષ સિસોદિયાને CBIનું સમન્સ
19 ફેબ્રુઆરી, 2023- મનીષ સિસોદિયાની માંગણી પર CBIએ આપ્યો સમય
26 ફેબ્રુઆરી, 2023 – મનીષ સિસોદિયાની CBIએ કરી ધરપકડ
27 ફેબ્રુઆરી, 2023 – મનીષ સિસોદિયાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા