હરિક્રિષ્ના શર્મા : મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મેઘાલયને 21 જાન્યુઆરી 1972ના રોજ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યારથી 10 વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં પ્રાદેશિક પક્ષો અને અપક્ષોનું વર્ષોથી વિધાનસભામાં પ્રભુત્વ રહ્યું છે. કોંગ્રેસ એક સમયે મજબૂત હાજરી ધરાવતી હતી પરંતુ હવે પક્ષપલટાથી પ્રભાવિત થયા બાદ સંગઠન નબળું બની ગયું છે. મેઘાલય વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે કહ્યું હતું કે તે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સાથે ગઠબંધન કરશે નહીં પણ પોતાના દમ પર ચૂંટણી લડશે. તેની સાથે ભાજપ સાથે છેલ્લા પાંચ વર્ષથી શાસક ગઠબંધનનો ભાગ હતું.
અત્યાર સુધીની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ શું રહી છે?
એકલા જવાનો ભાજપનો નિર્ણય એ પાર્ટી માટે એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે રાજ્યમાં તેનું ચૂંટણી પ્રદર્શન અત્યાર સુધી ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. ભાજપે 1993માં પ્રથમ વખત મેઘાલય વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યારથી લઇ અત્યાર સુધી પાર્ટીએ છ ચૂંટણી લડી છે. જોકે તેની બેઠકોની સંખ્યા અને વોટ શેર નિરાશાજનક રહ્યા છે. પાર્ટીએ 2018માં સૌથી વધુ (47) સીટો પર ચૂંટણી લડી હતી પણ માત્ર બે બેઠકો જીતી હતી. ત્યારે તેનો વોટ શેર વધીને 9.63 ટકા થયો હતો. બીજેપીની જેમ કોંગ્રેસ પણ બધી વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી રહી છે જેણે પારંપરિક રુપથી વર્ચસ્વ રાખનાર ક્ષેત્રીય દળોને પડકાર આપ્યો છે.

મેઘાલયમાં બે લોકસભા સીટ છે – શિલોંગ (કોંગ્રેસ હસ્તક) અને તુરા (NPP હસ્તક). રાષ્ટ્રીય રાજકારણ પર તેની મર્યાદિત અસર છે. પરંતુ તમામ 60 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડીને ભાજપ જમીન પર પોતાનો આધાર વિસ્તારવા માંગે છે.
આ પણ વાંચો – નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી : પ્રચાર સમાપ્ત, 13 લાખ મતદારો, 183 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
કોંગ્રેસની શું રહી છે સ્થિતિ?
1972માં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની શરૂઆત સામાન્ય રહી હતી. તે સમયે 12 સીટોમાંથી 9 સીટો પર કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારે પાર્ટીને લગભગ 10 ટકા વોટ શેર મળ્યો હતો. કોંગ્રેસનું સૌથી સારું પ્રદર્શન 2013માં રહ્યું હતું. ત્યારે પાર્ટીએ 34.78 વોટ શેર સાથે 29 સીટો પર જીત મેળવી હતી. જોકે હાલ કોંગ્રેસ સારી સ્થિતિમાં જોવા મળતી નથી. કોંગ્રેસના ધારાસભ્યો અને પૂર્વ મુખ્યમંત્રી પક્ષ પલટો કરીને ટીએમસીમાં જતા રહેતા કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે.

ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) મેદાનમાં છે પરંતુ હજુ સુધી વિધાનસભા ચૂંટણીમાં તેમનું ખાતું ખોલાયું નથી.
પ્રાદેશિક પક્ષો અને અપક્ષો
1952માં પ્રથમ ચૂંટણીઓ યોજાઇ ત્યારે તે અવિભાજિત આસામનો એક ભાગ હતો ત્યારથી 2018માં છેલ્લી વિધાનસભા ચૂંટણી સુધી પ્રાદેશિક પક્ષોએ મેઘાલયના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1972ની ચૂંટણીમાં મેઘાલય રાજ્યમાં ઓલ પાર્ટી હિલ લીડર્સ કોન્ફરન્સે અત્યાર સુધીની સૌથી વધુ 32 બેઠકો જીતી હતી. પાર્ટીએ 1978 અને 1983માં પણ સારું પ્રદર્શન કર્યું હતું. 2018માં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીએ અનુક્રમે 19 અને 6 બેઠકો જીતી હતી.

મેઘાલયના રાજકારણમાં અપક્ષ હંમેશા ચાવીરૂપ રહ્યા છે. 1972માં તેઓએ 19 બેઠકો જીતી અને લગભગ 53.86 ટકા વોટ શેર મેળવ્યો હતો. પરંતુ ત્યાર પછી ચીજો બદલાઈ ગઈ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ત્રણ અપક્ષો 10.84 ટકા વોટ શેર સાથે જીત્યા હતા.
નાગાલેન્ડની જેમ મેઘાલય પણ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં પાછલી કેટલીક ચૂંટણીઓમાં મહિલા મતદારોનું મતદાન પુરુષો કરતાં વધુ રહ્યું છે. 1998ની વિધાનસભાની ચૂંટણીથી આ પેટર્ન છે.

આમ છતાં રાજ્યની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારે નથી. જોકે ચૂંટણીમાં ભાગ લેનારી મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મેઘાલય પણ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સારા લિંગ ગુણોત્તર ધરાવતા રાજ્યોમાં સામેલ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મેઘાલયમાં 1,000 પુરૂષો દીઠ 986 સ્ત્રીઓ હતી જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 940 સ્ત્રીઓનો છે.