મેઘાલયના મુખ્યમંત્રી અને એનપીપી પાર્ટીના ચીફ કોનરાડ સંગમાએ શુક્રવારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને સીએમ પદેથી રાજીનામું આપી દીધું અને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તેમણે 32 ધારાસભ્યોનો સમર્થન પત્ર પણ રાજ્યપાલને સોંપ્યો છે. આ બધાની વચ્ચે ભાજપાએ કોનરાડ સંગમાને નવા રાજ્યમાં પોતાના બે ધારાસભ્યોનો સમાવેશ કરવા માટે કહ્યું છે. મેઘાલય બીજેપીના અધ્યક્ષ અર્નેસ્ટ માવરીએ દાવો કર્યો કે સંગમા 7 માર્ચે સીએમ પદના શપથ લઇ શકે છે.
બીજેપીનું એનપીપીને સમર્થન
મેઘાલય ભાજપા પ્રમુખ અર્નેસ્ટ માવરીએ રવિવારે કહ્યું કે કોનરાડ સંગમાને પોતાના બે ધારાસભ્યોને નવા રાજ્ય મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે અમે કોનરાડ સંગમાને અમારા બે ધારાસભ્ય લાલુ હેક અને સનબોર શુલ્લઇને મંત્રીમંડળમાં સમાવેશ કરવાની વિનંતી કરીએ છીએ કારણ કે બન્ને ધારાસભ્યો અનુભવી છે. અમને આશા છે કે અમારી પાર્ટીના બન્ને ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થશે. 2 માર્ચે ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી બીજેપીએ સરકાર બનાવવા માટે એનપીપીને પોતાનું સમર્થન આપ્યું છે.
શપથ ગ્રહણમાં સામેલ થઇ શકે છે પીએમ મોદી
અર્નેસ્ટ માવરીએ જાણકારી આપતા કહ્યું કે મેઘાલયમાં શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પણ સામેલ થઇ શકે છે. પીએમ મોદી 7 માર્ચે સવારે લગભગ 11 કલાકે શિલોંગ પહોંચશે. પ્રથમ વખત પ્રધાનમંત્રી મેઘાલયમાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. મેઘાલયમાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા પછી પીએમ નાગાલેન્ડ જશે.
આ પણ વાંચો – 2024 ચૂંટણી પહેલા ઉત્તર પૂર્વ રાજ્યોમાં વધ્યો ભાજપનો પ્રભાવ, ત્રણ રાજ્યોમાં ભગવામાં ઉત્સાહ
કોનરાડ સંગમાએ જે 32 ધારાસભ્યોનો સમર્થન પત્ર આપ્યો છે તેમાં એનપીપીના 26 ધારાસભ્ય, બીજેપીના 2, હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના 2 અને 2 અપક્ષ ધારાસભ્યના હસ્તાક્ષર છે. પત્ર સોંપ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે અમારી પાસે પૂર્ણ બહુમત છે.
મેઘાલય વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ
મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. એનપીપીએ 26 સીટો પર જીત મેળવી છે. યૂનાઇટેડ ડેમોક્રેટિવ પાર્ટી 11 સીટો જીતી બીજા ક્રમે રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે 5-5 સીટ પર જીત મેળવી છે. બીજેપીને 2 બેઠકો મળી છે. આ સિવાય વોઇસ ઓફ ફ પીપલ્સ પાર્ટીએ 4, પીપલ્સ ડેમોક્રેટિવ ફ્રન્ટે 2, એચએસપીડીપીને 2 અને અપક્ષોએ 2 બેઠકો પર જીત મેળવી છે. મેઘાલયમાં સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે.