મનોજ સી જી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખાણણી આખા દેશ પર એક વિચાર થોપવા અને ભારતની ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાષાની વિવિધતાને નષ્ટ કરવાની કોશિશ કરનાર ક્લાસરૂમની દાદાગીરી સાથે કરી છે. તેમણે ભાજપની મદદ કરવાનો આરોપ લગાવીને તૃણમુલ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યો હતો.
રાહુલ ગાંધીએ મેઘાલયની રાજધાની શિલોંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી, જ્યાં પાર્ટી કમજોર સ્થિતિમાં છે. જ્યા કોંગ્રેસ 2018 સુધી રાજ્યમાં સત્તામાં હતી અને ગત વર્ષે ચૂંટણી પછી તે સૌથી મોટી પાર્ટી હતી. જોકે કોંગ્રેસના છેલ્લા મુખ્યમંત્રી મુકુલ સંગમા લગભગ એક ડઝન ધારાસભ્યો સાથે ટીએમસીમાં ચાલ્યા ગયા હતા.
રાહુલ ગાંધીએ તૃણમુલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તમે ટીએમસીનો ઇતિહાસ જાણો છો. બંગાળમાં જે હિંસા થાય છે તે વિશે પણ તમે જાણો છો. તમે કૌભાંડો વિશે પણ જાણો છો, શારદા કૌભાંડ થયું છે. તમે તેમની પરંપરાથી વાકેફ છો. તેઓ ચૂંટણી દરમિયાન ગોવા આવ્યા અને ગોવામાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કર્યા. તેમનો આઈડિયા ભાજપને મદદ કરવાનો હતો. મેઘાલયમાં પણ તેમનો વિચાર બીજેપીને મજબૂત કરવાનો અને તેમને જિતાડવાનો છે.
TMC પર રાહુલ ગાંધીનો હુમલો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા વિપક્ષી એકતા માટે કોંગ્રેસના પ્રયત્નો પર આપવામાં આપેલા નિવેદનના એક દિવસ પછી આવ્યો છે. નાગાલેન્ડમાં ખડગેએ એક જાહેર સભામાં કહ્યું હતું કે તેમની પાર્ટી અન્ય વિપક્ષી સંગઠનો સાથે વાતચીત કરી રહી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024માં કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે.
આ પણ વાંચો – રાહુલ ગાંધી ઈન્ટરવ્યૂ : લગ્ન, દાઢી, દાદી, નાની, સહિત અનેક સવાલો પર રાહુલે દિલ ખોલી કરી વાત
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની સુંદરતા તેની વિવિધતા છે પરંતુ ભાજપ અને આરએસએસ તેને સ્વીકારવાનો ઇન્કાર કરે છે. તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસની વિચારધારા તમારી સંસ્કૃતિ, તમારી પરંપરા અને તમારા ધર્મ પર હુમલો અને નાશ કરવાની છે. તેઓ એ સ્વીકારવાનો ઇન્કાર કરે છે કે ભારત પાસે બહુવિધ વિચારો છે. ભારત એક વિચાર નથી, એક સમુદાય નથી, એક ભાષા નથી, એક ધર્મ નથી પણ ભારત ઘણા જુદા વિચારો, ઘણા વિવિધ ધર્મો, ઘણા વિવિધ સમુદાયો, ઘણી અલગ ભાષાઓ, ઘણી વિવિધ સંસ્કૃતિઓ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ આપણા તમામ રાજ્યો પર હુમલો કરી રહી છે. ભલે તે તમિલનાડુ હોય, કર્ણાટક હોય, મેઘાલય હોય, જમ્મુ કાશ્મીર હોય, હરિયાણા હોય. દરેક રાજ્ય પર આરએસએસ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને આ તમામ રાજ્યો પર એક વિચાર લાદવામાં આવી રહ્યો છે. તે એવી વસ્તુ છે જેનો અમે પ્રતિકાર કરીશું.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર ડરપોક જ પોતાની ઈચ્છા અન્ય વ્યક્તિ પર થોપવાનો પ્રયાસ કરે છે. તમારામાંથી ઘણાએ વર્ગખંડમાં દાદાગીરીનો અનુભવ કર્યો હશે. વર્ગમાં એક સાથી છે જે વિચારે છે કે તે બીજા બધા કરતા વધુ મજબૂત છે. બધાને ધમકાવે છે. કંઈપણ સમજી શકતો નથી અને પછી એક દિવસે વર્ગમાં કોઈ તેને સારો પાઠ શીખવે છે અને તે ગુંડાગીરી કરવાનું બંધ કરે છે. ભાજપ અને આરએસએસ ગુંડાઓ છે, જેઓ વિચારે છે કે તેઓ બધું જ જાણે છે, બધું સમજે છે અને બીજા કોઈ માટે માન રાખતા નથી. આપણે તેમની સાથે સામૂહિક રીતે લડવું પડશે.
ભારત જોડો યાત્રા વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસને યાત્રાનું આયોજન કરવાની ફરજ પડી હતી કારણ કે ભાજપ અને આરએસએસ, જેઓ આજે ભારતમાં સરકાર ચલાવી રહ્યા છે તેમણે ભારતીય રાજ્યની દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે. પછી ભલે તે સંસદ, મીડિયા, અમલદારશાહી, ચૂંટણી પંચ કે ન્યાયતંત્ર. આ તમામ સંસ્થાઓ દબાણ હેઠળ છે અને આરએસએસ અને ભાજપની વિચારધારા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.