MIG-21 : ભારતીય વાયુસેનાએ એક મોટો નિર્ણય લેતા MIG-21 એરક્રાફ્ટના ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ સમગ્ર કાફલા પર લાદવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા રાજસ્થાનના હનુમાનગઢમાં એક મિગ 21 વિમાન ક્રેશ થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને IAF એ મિગ 21ના આખા કાફલા પર ઉડાન માટે થોડા સમય માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
જાણકારી આપવામાં આવી છે કે જ્યાં સુધી રાજસ્થાન દુર્ઘટનાની વિસ્તૃત તપાસ ના થઇ જાય, દુર્ઘટનાના સાચા કારણની ખબર ના પડે ત્યાં સુધી ઉડાન પર પ્રતિબંધ રહેશે. અહીં એ સમજવું પણ જરૂરી છે કે મિગ 21 છેલ્લા પાંચ દાયકાથી વાયુસેનામાં સક્રિય છે, પરંતુ હવે તેને વાયુસેનાના કાફલામાંથી તબક્કાવાર બહાર કરવાની તૈયારી થઇ રહી છે. વર્તમાનમાં માત્ર ત્રણ મિગ 21 સ્ક્વોડ્રન કામ કરી રહ્યા છે તેમને પણ 2025 સુધીમાં હટાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો – દિલ્હી : ટ્રાન્સફર-પોસ્ટિંગ મામલાને લઇને કેન્દ્ર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
હાલમાં એરફોર્સમાં મિગ-21ની 3 સ્ક્વોડ્રન છે. દરેક સ્ક્વોડ્રનમાં 16થી 18 એરક્રાફ્ટ હોય છે. તે પ્રમાણે લગભગ 50 મિગ-21 સેવામાં છે. તેઓ 2025 સુધીમાં નિવૃત્ત થવાના છે. ભારતીય વાયુસેના પાસે કુલ 31 કોમ્બેટ સ્ક્વોડ્રન છે.
મિગ-21 એ સિંગલ એન્જિન અને સિંગલ સીટ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ છે. તેને 1963માં ઈન્ડિયન એરફોર્સમાં ઈન્ટરસેપ્ટર એરક્રાફ્ટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. તેને આગામી કેટલાક વર્ષોમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું.