ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવના નિધનથી તેમના સમર્થકો અને સપા કાર્યકર્તાઓમાં શોકની લહેર છે. યૂપીના ખૂણે-ખૂણામાંથી લોકો તેમના અંતિમ દર્શન માટે સૈફઇ પહોંચ્યા છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવના એક સમર્થક એવા પણ છે જેણે છેલ્લા 35 વર્ષોથી ચપ્પલ પહેર્યા નથી કારણ કે તેમણે નેતાજી માટે એક પ્રતિજ્ઞા લીધી હતી.
વારાણસીના વિશેશ્વરગંજના રહેવાસી શ્યામુ યાદવે 35 વર્ષ પહેલા પ્રણ લીધા હતા કે જ્યાં સુધી નેતાજી પ્રધાનમંત્રી નહીં બની જાય ત્યાં સુધી તે ચપ્પલ પહેરશે નહીં. તેમણે એ પણ વચન લીધું હતું કે જો તે આ જન્મમાં પીએમ નહીં બની શકે તો પણ તે ચપ્પલ પહેરશે નહીં અને આવનાર 10 જન્મો સુધી ચપ્પલ પહેરશે નહીં.
શ્મામુ યાદવે સમાચાર ચેનલ યૂપી તક સાથે વાત કરતા કહ્યું કે નેતાજી બધાના મસીહા હતા. મારો સંકલ્પ છે કે જ્યાં સુધી નેતાજી પીએમ નહીં બની જાય ત્યાં સુધી ચપ્પલ પહેરીશ નહીં. જો આ જન્મમાં સંકલ્પ પુરો ના થયો તો આગામી 10 જન્મો સુધી, જ્યાં સુધી તે પીએમ નહીં બની જાય ત્યાં સુધી મારા પ્રણ યથાવત્ રહેશે.
આ પણ વાંચો – મુલાયમ સિંહ યાદવે કેવી રીતે બદલ્યું ઉત્તર પ્રદેશનું રાજકારણ, 5 પોઇન્ટ
શ્યામુ યાદવે કહ્યું કે જ્યારે મુલાયમ સિંહ યાદવ પ્રથમ વખત ક્રાંતિ રથ લઇને વારાણસીના સપા કાર્યાલય આવ્યા હતા ત્યારે મને લાગ્યું કે નેતાજી પીએમ પદ માટે યોગ્ય છે. મેં તેમની સાથે ચાર વખત મુલાકાત કરી હતી. મેં પોતાના સંકલ્પ વિશે નેતાજીને જણાવ્યું ન હતું. મુલાયમ સિંહ યાદવ ધરતીપુત્ર હતા. હંમેશા તે કહેતા હતા કે સપાને મજબૂત બનાવતા રહો. ચપ્પલ ના પહેરવાના કારણે લોકોએ ઘણા મેણા માર્યા હતા અને ઘણા કષ્ટો સહન કર્યા છે.