Dhirubhai Ambani International School: મુંબઈની ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક ધમકી ભર્યો ફોન કોલ આવ્યો છે. જેમાં અજાણ્યા કોલરે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. મુંબઈ પોલીસના મતે સ્કૂલના લેન્ડલાઇન પર સાંજે 4.30 કલાકે એક કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઇમ બોમ્બ લગાવવાનો દાવો કર્યો હતો. જે પછી ધીરુભાઇ અંબાણી સ્કૂલે બીકેસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
આરોપીએ સ્કૂલના લેન્ડલાઇન નંબર પર કોલ કર્યો
ફોન કરનારે પોતાની ઓળખ વિક્રમ સિંહ તરીકે આપી હતી. આરોપીએ સ્કૂલના લેન્ડલાઇન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે સ્કૂલની અંદર ટાઇમ બોમ્બ લગાવ્યો છે. જે પછી તેણે ફોન કાપી નાખ્યો હતો. આ ફોન કોલ પછી તરત સ્કૂલે પોલીસને જાણ કરી હતી. જે પછી પોલીસની એક ટીમને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે સ્કૂલ કેમ્પસમાં મોકલવામાં આવી હતી. જ્યાં તલાશી પછી પરિસરને સુરક્ષિત જાહેર કર્યું હતું.
આ પણ વાંચો – બેંગલુરુ-દિલ્હી ગો ફર્સ્ટ ફ્લાઇટે 55 મુસાફરોને લીધા વિના ભરી ઉડાન, આ કેવી રીતે થયું?
મુંબઈ પોલીસે શરુ કરી તપાસ
સ્કૂલની ફરિયાદ પર બીકેસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કોલર સામે IPC ની કલમ 505 (1) (B) અને 506 અંતર્ગત કેસ નોંધ્યો હતો. પોલીસે તપાસ શરુ કરી દીધી હતી. મુંબઈ પોલીસે કહ્યું કે કોલરની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની જલ્દી ધરપકડ કરવામાં આવશે.
ફેમસ થવા માટે કર્યો હતો કોલ
સૂત્રોના મતે પ્રથમ વખત કોલ કર્યા પછી થોડા સમય બાદ કોલરે ફરી સ્કૂલની લેન્ડલાઇન પર ફોન કરીને કહ્યું કે તેણે ધીરુભાઇ અંબાણી સ્કૂલને ઉડાવવાની ધમકી એટલા માટે આપી જેથી તે પોલીસની પકડમાં આવી શકે. ફોન કરનારે દાવો કર્યો કે તેનું નામ સોશિયલ મીડિયામાં ચારેય તરફ હશે અને જો તે પકડાઇ જશે તો અંબાણી પરિવાર તેના પર ધ્યાન આપશે. કોલ કરનારે એવો દાવો કર્યો કે તે ગુજરાતમાં છે. ફોન કરનારે પોતાની ઓળખ વિક્રમ સિંહના રૂપમાં આપી છે.