(સુક્રિતા બરુઆહ) નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયની વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 માર્ચ, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ભાજપનનું ગઠબંધન નાગાલેન્ડમાં સત્તા ટકાવી શકશે? પાંચ વર્ષ પહેલા નકારી કાઢવામાં આવેલા નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને કેટલી સીટો મળશે? આ તમામ પ્રશ્નોના ઉત્તર ગુરુવારે જાહેર થનારા નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી 2023ના પરિણામોમાં મળશે.
નાગાલેન્ડમાં કોંગ્રેસની પકડ નબળી પડી છે અને છેલ્લા પાંચ વર્ષમાં નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ની તાકાત પણ ઘટી ગઈ છે. પ્રાદેશિક અને બિન-પ્રાદેશિક રાજકીય પક્ષો એવો દાવો કરી રહ્યા કે તેઓ નાગાલેન્ડના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ સંભવિત “કિંગમેકર” બની શકે છે.
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીની 60 બેઠકમાંથી 5 બેઠકો નિર્ણાયક
ઉત્તરીય અંગામી-પ્રથમ (Northern Angami-I)
મુખ્યમંત્રી નેફિયુ રિયો ઉત્તરીય અંગામી બેઠક પરથી એનડીપીપી-ભાજપ ગઠબંધનના સીએમ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાંચમી વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા ધરાવે છે. તેમણે વર્ષ 1989થી આ બેઠક પરથી લડેલી દરેક ચૂંટણીમાં જીત હાસંલ કરી છે. વર્ષ 2018ની ચૂંટણીમાં તેમના હરિફ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી તેનાથી વિપરીત આ વખતની ચૂંટણીમાં તેમનો કોંગ્રેસના સેઇવિલી સચુનો સાથે મુકાબલો છે.
તુઇ (Tyui)
ભાજપના ઉમેદવાર નાયબ મુખ્યમંત્રી વાય પેટનનો ગઢ ગણાતો આ મતવિસ્તાર વોખા જિલ્લામાં આવેલું છે. આ મતવિસ્તારમાં ચૂંટણી વખતે હંમેશા ગરમાગરમીનો માહોલ રહે છે. આ વખતે પણ પેટનની વિરુદ્ધ જનતા દળ (યુનાઈટેડ)ના પ્રદેશ પ્રમુખ સેનચુમો લોથા, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વાય કિકોન અને અપક્ષ ઉમેદવાર હેયથુંગ તુંગો લોથા ચૂંટણી મેદાનમાં છે.
ફેક (Phek)
આ ચૂંટણી જંગ નાગા પીપલ્સ ફ્રન્ટ માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેના ધારાસભ્ય પક્ષના નેતા અને સેકન્ડ-ઈન-કમાન્ડ કુઝોલુઝો અઝો નીનુ અહીંથી પાંચમી વખત ચૂંટણી લડી રહ્યા છે. NPFના લગભગ તમામ અન્ય અગ્રણી ચહેરાઓ પક્ષપલટો કરીને NDPPમાં જતા રહ્યા અને પાર્ટી માત્ર 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આવા સંજોગોમાં NPF પક્ષના મનોબળ માટે કુઝોલુઝો અઝો નીનુનું ચૂંટણી જીવતું એ તેમના પોતાની માટે અને આ પ્રાદેશ રાજકીય પક્ષના ભાવિ નિર્ણાયક બની રહેશે. આ બેઠક પર કુઝોલુઝો અઝો નીનુનો મુકાબલો એનડીપીપીના ઉમેદવાર કુપોતા ખેસોહ અને કોંગ્રેસના ઝચિલ્હુ રિંગા વાદેઓ સાથે છે.
એટોઇઝુ (Atoizu)
ભાજપના એકમાત્ર મહિલા ઉમેદવાર કહુલી સેમા અહીંથી ચૂંટણી લડી રહ્યા અને તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ રાજ્યમાં એક પણ મહિલા ધારાસભ્ય નથી. તેઓ જાહેર બાંધકામ વિભાગના ભૂતપૂર્વ મુખ્ય ઇજનેર અને ચૂંટણી જંગમાં ત્રીજા ક્રમના સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે અને તેઓ પાછલી બે ટર્મમાં આ મતવિસ્તારમાંથી જીતેલા પિક્ટો સામે ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં પિક્ટો એ NPFની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા બાદ, વર્ષ 2021માં પક્ષપલટો કરીને NDPPમાં જનાર 21 ધારાસભ્યો પૈકીના એક છે. જો કે પાર્ટી દ્વારા તેમને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી. હાલ તેઓ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
દીમાપુર III (Dimapur III)
દીમાપુર પણ એક મહત્વપૂર્ણ મતવિસ્તાર છે કારણ કે અહીંયાના રાજકીય ઉમેદવાર એક મહિલા છે. આ બેઠક પર પાંચ ઉમેદવારો વચ્ચે કાંટે-કી ટક્કર છે. ડીપીપીના ઉમેદવાર હેકાની જાખાલુને શાસક ગઠબંધનના સમર્પિત ઝુંબેશનું સમર્થન મળ્યું છે પરંતુ તેમના મુખ્ય હરિફ સિટિંગ ધારાસભ્ય અઝેટો ઝિમોમી છે. બે વખત ધારાસભ્ય બનેલા ઝિમોમીને NDPP દ્વારા ઉમેદવાર તરીકે નકારવામાં આવ્યા બાદ હાલ તેઓ રામ વિલાસની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (લોજપ) તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અન્ય ત્રણ ઉમેદવારોની વાત કરીયે તો કોંગ્રેસે વેટેસો લાસુહ, પ્રખ્યાત એક્ટિવિસ્ટ કહુતો ચિશી અને અપક્ષ ઉમેદવાર લુન તુંગનુંગે આ બેઠક પરથી ચૂંટણી લડી છે.