હમઝા ખાન : કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલની કારકિર્દીમાં એક નિર્ણાયક છબી 2015ની છે. તે સમયે લોકસભામાં ભાજપના ચીફ વ્હીપ તરીકે મેઘવાલ પોતાની ટ્રેડમાર્ક રાજસ્થાની પાઘડી, કુર્તા-પાયજામા અને સ્લીવલેસ જેકેટમાં સાયકલ ચલાવીને સંસદ સુધી જતા હતા. તેમની સાઇકલ પર એક બેનર જેની પૃષ્ઠભૂમિમાં ભાજપના રંગો રહેતા. જે બતાવે છે કે તેઓ બિકાનેરથી સાંસદ છે.
આ તસવીરે મેઘવાલને સાદગી અને નમ્રતાની છબી બનાવવામાં મદદ કરી હશે. આ બે લક્ષણો જે આજ સુધી તેમની સાથે યથાવત્ રહ્યા છે. ગુરુવારે અર્જુન મેઘવાલને કિરેન રિજિજુની જગ્યાએ કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવ્યા છે. હવે તેઓ આ જવાબદારી તેમના સંસદીય બાબતો અને સંસ્કૃતિ વિભાગના રાજ્ય મંત્રીની સાથે સંભાળશે.
રિજિજુની બદલી સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણના વધતા જતા કિસ્સાઓની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટીના એક વફાદાર અને સમર્પિત કાર્યકર્તા મેઘવાલને મોટાભાગે એવી વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે જે પાર્ટી લાઇનને આગળ વધારશે. રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.
મેઘવાલની નિમણૂક તેમના ગૃહ રાજ્ય રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી છે. ભાજપના અનુસૂચિત જાતિ (એસસી)ના ચહેરાને ધ્યાનમાં રાખીને આ પગલું સમુદાયની અંદર પક્ષના સમર્થનનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. મેઘવાલની નિમણૂકથી એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે શું તેઓ રાજસ્થાન ભાજપમાં મુખ્યમંત્રીના ઉમેદવારોની લાંબી યાદીમાં જોડાયા છે.
69 વર્ષના અર્જુન મેઘવાલ હાલમાં સાંસદ તરીકેની ત્રીજી ટર્મ પૂરી કરી રહ્યા છે. તેમણે 192માં રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (આરએએસ)ની પરીક્ષા પાસ કરી હતી અને ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી તરીકે બઢતી મેળવતા પહેલા તેમણે રાજ્ય સેવામાં વિવિધ હોદ્દા પર સેવા આપી હતી. એમએ (પોલ સાયન્સ), એલએલબી અને એમબીએની ડિગ્રી ધરાવતા મેઘવાલે ભાજપની ટિકિટ પર બિકાનેર સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે 1982ની લોકસભાની ચૂંટણી પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
વર્ષ 2009ની ચૂંટણી પહેલા બીકાનેર સીટ પર અભિનેતા ધર્મેન્દ્રનો કબ્જો હતો. સીમાંકનની કવાયત બાદ તે એસસી-અનામત મતવિસ્તાર બની ગયો હતો. ભાજપને અર્જુન મેઘવાલ યોગ્ય લાગ્યા હતા. મેઘવાલે કોંગ્રેસના રેવત રામ પંવાર સામે લગભગ 20,000 મતોથી જીત મેળવી હતી.
આ પણ વાંચો – કર્ણાટક બાદ હવે આ રાજ્યોમાં જામશે ચૂંટણી જંગ, જાણો કેટલો રસપ્રદ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મુકાબલો
2010 સુધીમાં મેઘવાલે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્થાન મેળવી લીધું હતું અને પાર્ટીના રાજસ્થાન યૂનિટના ઉપાધ્યક્ષ પણ બની ગયા હતા. યુપીએ સરકાર હેઠળ તેમને 2013માં શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષે તેમણે લોકસભામાં સમલૈંગિકતા વિરોધી બિલ પણ રજૂ કર્યું હતું.
2014ની ચૂંટણી પહેલા મેઘવાલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના બિકાનેરમાં કથિત રીતે ગેરકાયદેસર જમીન સોદાઓનો મુદ્દો ઉઠાવવા બદલ વધુ મહત્વ મેળવ્યું હતું. એ વર્ષે જ્યારે ભાજપ પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારે મેઘવાલે કોંગ્રેસના શંકર પન્નુને ત્રણ લાખથી વધુ મતોના જંગી અંતરથી હરાવ્યા હતા અને લોકસભામાં ભાજપના ચીફ વ્હીપ બન્યા હતા.
વર્ષ 2016માં અર્જુન મેઘવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીપરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂકને રાજસ્થાનમાં જાતિગત સમીકરણોને સંતુલિત કરવાના ભાજપના પ્રયાસ તરીકે જોવામાં આવી હતી. કારણ કે પાર્ટીએ ગંગાનગરના સાંસદ અને પંચાયતી રાજ મંત્રાલયના એમઓએસ, એસસી સમુદાયમાંથી આવતા નિહાલચંદ મેઘવાલને પડતા મુક્યા હતા. જેઓ 2011ના બળાત્કાર કેસ સંબંધિત તપાસનો સામનો કરી રહ્યા હતા.
2019ની લોકસભા ચૂંટણી પહેલા મેઘવાલને પાર્ટીની અંદરથી અને તેમના પરિવારની અંદરથી પણ સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. મેઘવાલ ભાજપ વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને લોકોને જાતિના આધારે વહેંચી રહ્યા છે તેવો દાવો કરતાં સાત વખતના ધારાસભ્ય અને બીકાનેરના દેવીસિંહ ભાટીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને મેઘવાલ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. બીજો પડકાર તેમના પિતરાઈ ભાઈ મદન ગોપાલ મેઘવાલ હતા – એક આઈપીએસ અધિકારી, જેમણે રાજકારણમાં ઝંપલાવવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લીધી હતી. જેમને કોંગ્રેસે તેમની સામે મેદાનમાં ઉતાર્યા હતા. જોકે અર્જુન મેઘવાલે મદનને 2.6 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.
સંસ્કૃતિ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી તરીકે મેઘવાલે રાજસ્થાનમાં માનગઢની ટેકરી, જ્યાં 17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજ સૈન્ય સાથેની અથડામણમાં 1500 ભીલ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ માર્યા ગયા હતા. આ સ્થળને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવાની પ્રબળ હિમાયત કરી હતી. જોકે હજુ તેને જાહેર કરવાનું બાકી છે. દિલ્હીના અનંગ તાલ તળાવને રાષ્ટ્રીય મહત્ત્વનું ટેગ અપાવવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જે દિલ્હીના સ્થાપક રાજા અનંગ પાલ તોમર દ્વારા 1052 એડીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
મેઘવાલે ભૂતકાળમાં પાકિસ્તાન પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ ઉભો કર્યો હતો. 2019ના પુલવામા હુમલા બાદ મેઘવાલે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનમાં વહેતી ત્રણ પૂર્વીય નદીઓના પાણીને રોકશે અને કહ્યું હતું કે આ પાણીનો ઉપયોગ પંજાબ કે રાજસ્થાન બંનેમાંથી કોઈ એક દ્વારા પીવા અથવા સિંચાઈના હેતુ માટે કરવામાં આવશે.
ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં રોકાણકારોની બેઠકને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે તેથી જ તમે પાકિસ્તાનમાં આવી પરિસ્થિતિ જુઓ છો. અલગતાવાદ અને આતંકવાદ ભારતમાં રહેતા લોકોના દિલમાં નથી પરંતુ બહારથી આવે છે.
જુલાઈ 2020માં કોવિડ -19ના સમયમાં મેઘવાલ અવૈજ્ઞાનિક દાવાઓને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા જેના કારણે વિવાદમાં થયો હતો. મેઘવાલે ત્યારે કહ્યું હતું કે ભાભી જી પાપડ કોવિડ -19 સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ બનાવવામાં મદદ કરી શકે છે. પાપડને પ્રોત્સાહન આપવાના તેમના નિવેદનોના માત્ર બે અઠવાડિયા પછી અર્જુન મેઘવાલે પોતે કોવિડ પોઝિટિવ થયા હતા.
અગાઉ ચીફ વ્હીપ તરીકે અને હવે સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે મેઘવાલ લોકસભામાં ભાજપ માટે ફ્લોર મેનેજમેન્ટ સંભાળવામાં મોખરે રહ્યા છે. તાજેતરના બજેટ સત્રમાં કોઈ મોટા કાયદાકીય કામકાજ ન કરવા બદલ ભારે ટીકા થઈ હતી.
પોતાની રાજકીય કારકિર્દી ઉપરાંત તેઓ આધ્યાત્મિક ભજનો ગાવા માટે જાણીતા છે. તાજેતરમાં જ તેમણે પીએમ મોદીની મન કી બાતના 100માં એપિસોડમાં ગીત ગાયું હતું.
- દિલ્હીથી દિવ્યા એ, લિઝ મેથ્યુના ઇનપુટ્સ સાથે
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો