Parliament Session : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જે ચર્ચા ચાલી રહી છે તે ચર્ચામાં સામેલ થઇને હું આદરણીય રાષ્ટ્રપતિ જી નો ધન્યવાદ કરું છું. તેમના અભિનંદન કરું છું. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઇ ભાઇના નારા લગાવ્યા હતા.
મારી સફળતામાં તમારા યોગદાનને ભૂલાવી શકાય નહીં – પીએમ મોદી
વિપક્ષના સુત્રોચ્ચાર પર પીએમ મોદીએ વળતો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોનો વ્યવહાર નિરાશાનજક છે. કીચડ તેમની પાસે હતો, મારી પાસે ગુલાલ, જેની પાસે જે હતું તેણે તે ઉછાળી દીધું. પીએમે કહ્યું કે જેટલો કીચડ ઉછાડશો કમળ તેટલું જ ખીલશે. અમારી સફળતામાં તમારા યોગદાનને ભૂલાવી શકાય નહીં.
પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેને આપ્યો જવાબ
પીએમ મોદીએ કહ્યું કે કાલે ખડગે જી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદી જી વારંવાર મારા ચૂંટણી ક્ષેત્રમાં આવે છે. હું તેમને કહેવા માંગીશ કે હું આવું છું તે તો તમે જોયું પણ એ પણ જોવો કે ત્યાં 1 કરોડ 70 લાખ જનધન બેંક એકાઉન્ટ ખુલ્યા છે. ફક્ત કલબુર્ગીમાં જ 8 લાખથી વધારે જનધન ખાતા ખુલ્યા છે. તેને જોઈને તેમની (મલ્લિકાર્જુન ખડગે) પીડા હું સમજી શકું છું. તમે દલિતની વાત કરો છો તો એ પણ જોવો કે તે સ્થાને દલિતને ચૂંટણીમાં જીત પણ મળી. હવે તમને જનતા જ નકારી દે છે તો તમે તેનું રડવું અહીં રડી રહ્યા છો.
આ પણ વાંચો – લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નિર્ણાયક સરકાર હંમેશા દેશ હિતમાં નિર્ણય કરે છે
સમયસીમા સાથે અમે 18,000 ગામડામાં વીજળી પહોંચાડી – પીએમ
પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઇપણ જ્યારે સરકારમાં આવે છે તો તે દેશ માટે કશુંક વાયદો કરીને આવે છે ફક્ત ભાવનાઓ વ્યક્ત કરવાથી વાત બનતી નથી. વિકાસની ગતિ શું છે, વિકાસનો પાયો, દિશા, પ્રયત્ન અને પરિણામ શું છે આ ઘણો મતલબ રાખે છે. અમારી પ્રાથમિકતા આપણા દેશના નાગરિક હતા જેથી અમે 25 કરોડથી વધારે પરિવાર સુધી ગેસ કનેક્શન પહોંચાડ્યા. તેમાં અમારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધન ખર્ચ કરવો પડ્યો. 18,000થી વધારે ગામડા એવા હતા જ્યાં લાઇટ પહોંચી ન હતી. સમયસીમા સાથે અમે 18,000 ગામડામાં વીજળી પહોંચાડી.
પીએમે કહ્યું કે અમે સૈચુરેશનનો રસ્તો પસંદ કર્યો એટલે કે સો ટકા લાભાર્થીને લાભ પહોંચે. સરકાર આ રાહ પર કામ કરી રહી છે. આ તુષ્ટીકરણની બધી આશંકાઓને ખતમ કરી નાખે છે. કોંગ્રેસને વારંવાર દેશ નકારી રહ્યું છે પણ કોંગ્રેસ અને તેના સાથી પોતાના ષડયંત્રોમાંથી બહાર આવી રહ્યા નથી. જોકે જનતા તેને જોઈ રહી છે અને તેને દરેક વખતે સજા પણ આપી રહી છે.