પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થઇ ગયું છે. હવે બધાની નજર પરિણામ પર છે. 2 માર્ચ ત્રણેય રાજ્યોના પરિણામ જાહેર થશે. આ પહેલા અલગ-અલગ ટીવી ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનાવે તેવો અંદાજ છે. જ્યારે મેઘાલયમાં રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે.આ પહેલા અમે જણાવી રહ્યા છે કે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં 2013 અને 2018ની વિધાનસભામાં કઇ પાર્ટીની કેવી સ્થિતિ હતી.
ત્રિપુરામાં લેફ્ટનું વર્ચસ્વ બીજેપીએ તોડ્યું
ત્રિપુરાની 2013ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPM)એ 60માંથી 49 સીટો પર વિજય મેળવી સપાટો બોલાવ્યો હતો. કોંગ્રેસને 10 સીટો મળી હતી. CPIને 1 સીટ મળી હતી. ભાજપને એકપણ બેઠક મળી ન હતી. જોકે 2018માં ભાજપે 36 સીટો પર ઐતિહાસિક વિજય મેળવી પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવી હતી. સીપીએમને 16 સીટો મળી હતી. આઈપીએફટીને 8 સીટો મળી હતી. કોંગ્રેસ પાર્ટી એકપણ સીટ પર જીત મેળવી શકી ન હતી.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ 2023 : ત્રિપુરા, નાગાલેન્ડમાં ફરી બીજેપીની સરકાર, મેઘાલયમાં રસપ્રદ મુકાબલો
મેઘાલયમાં કોંગ્રેસનો હતો દબદબો
મેઘાલયની 2013ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 60 સીટોમાંથી કોંગ્રેસને સૌથી વધારે 29 સીટો મળી હતી અને સરકાર બનાવી હતી. યુનાઇડેટ ડેમોક્રેટિક પાર્ટીને 8 સીટો મળી હતી. HSPDPને 4 સીટો મળી હતી. અન્યને 13 સીટો મળી હતી. 2018માં પણ કોંગ્રેસને સૌથી વધારે 21 બેઠકો મળી હતી. જોકે તે સરકાર બનાવી શકી ન હતી. નેશનલ પીપલ્સ પાર્ટીને 20 સીટો મળી હતી. યૂડીપીને 6 સીટો મળી હતી. ભાજપ પણ ખાતું ખોલાવવા સફળ રહેતા 2 સીટો મળી હતી.
નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટનું વર્ચસ્વ
નાગાલેન્ડમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં 60 સીટોમાંથી નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)નો 38 બેઠકો પર વિજય થયો હતો. કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. ભાજપને એક સીટ મળી હતી. અપક્ષને 8 સીટો મળી હતી. 2018માં નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ને 26 બેઠકો મળી હતી. નેશનલ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટીને 18 સીટો મળી હતી. ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 12 બેઠકો પણ જીત મેળવી હતી. કોંગ્રેસનો નાગાલેન્ડમાં પણ સફાયો થતા એકપણ બેઠક જીતી શક્યું ન હતું.