નકલી અને નબળી ગુણવત્તાવાળી દવા અને મેડિકલ પ્રોડક્ટો વેચતી ફાર્મા કંપનીઓ સામે કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવી 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ કેન્સલ કર્યા છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ઉઝબેકિસ્તાન અને ગામ્બિયામાં ભારતની ફાર્મા કંપનીઓએ નિકાસ કરેલી દવાથી બાળકોના મોત થયાની ગંભીર ઘટનાઓ ઘટી છે, જેનાથી ભારતની છબી ખરડાતા સરકાર એક્શનમાં આવી છે.
76 ફાર્મા કંપનીઓને ત્યાં તપાસ
નકલી દવાઓની વિરુદ્ધ દેશભરમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે 76 ફાર્મા કંપનીઓ પર સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને તેમાંથી 18 કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે, 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લા 15 દિવસમાં ફાર્મા કંપનીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ, બિહાર, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની ફાર્મા કંપનીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યું કે, નકલી દવાઓના ઉત્પાદન વિરુદ્ધ વિશેષ કવાયત પ્રથમ તબક્કામાં 76 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, “નકલી અને ભેળસેળવાળી દવાઓના ઉત્પાદન અને GMP (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ)નું ઉલ્લંઘન કરવા બદલ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 26 કંપનીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.”
સૂત્રોએ જણાવ્યું હતું કે ખાસ કવાયતના ભાગરૂપે, નિયમનકારોએ 203 કંપનીઓને ઓખળી કાઢી છે. જેમાં સૌથી વધારે 70 કંપનીઓ હિમાચલ પ્રદેશની, ઉત્તરાખંડની 45 કંપની અને મધ્યપ્રદેશની 23 કંપનીઓ છે.
તાજેતરમાં ભારતની ફાર્મા કંપનીઓની દવાઓ અને મેડિકલ પ્રોડક્ટોની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં તમિલનાડુની ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે અમેરિકામાં દ્રષ્ટિ ગુમાવવાના કેસમાં ઘણા બધા આઇ- ડ્રોપ આંખના ડ્રોપને રિકોલ કર્યા હતા.
ઉઝબેકિસ્તાનમાં ભારતમાં બનેલી સીરપ પીવાથી 18 બાળકોના મોત, અગાઉ ગામ્બિયામાં આવી ઘટના બની હતી ભારતમાં બની સીરપ, ગામ્બિયામાં બાળકોના મોત, WHOની ચેતવણી, 5 પોઈન્ટમાં સમજો આખો મામલો
ભારતની કફ સીરપથી ગામ્બિયા અને ઉઝબેકિસ્તાન બાળકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક મહિનાથી ભારતની ફાર્મા કંપનીઓની દવાથી વિદેશમાં મોત જેવી ગંભીર ઘટનાઓ ઘટી હોવાના ઘણા કિસ્સા સામે આવે છે. જેના કારણે દુનિયાભરમાં ભારતની છબી ખરડાઇ છે, જેમાં ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનની ઘટનાએ ભારતીય કંપનીઓ સામે મોટી મુશ્કેલી ઉભી કરી છે. ડિસેમ્બરમાં ભારતની મેરિયન બાયોટેક કંપનીએ બનાવેલી કફ સીરપ પીવથી ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હતા. તેની પહેલા ઓક્ટોબરમાં હરિયાણાની મેડેન ફાર્માસ્યૂટિકલ કંપનીની કફ સીરપ પીવાથી 66 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગંભીર ઘટના બાદ ભારતની ફાર્મા પ્રોડક્ટોને શંકાની નજરે જોવામાં આવી રહી છે.