Karnataka : કર્ણાટકના હુબલીમાં (Hubli)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. હુબલીમાં એક યુવક રોડ શો કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi)ગાડીની નજીક પહોંચી ગયો હતો. યુવકના હાથમાં એક ફૂલની માળા હતી. આ દરમિયાન પીએમ મોદી કારના દરવાજા પર ઉભા રહીને લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. જોકે સુરક્ષા કર્મીઓએ આ યુવકને પીએમની પાસે પહોંચતા પહેલા પકડી લીધો હતો અને પાછળ ધકેલી દીધો હતો. પોલીસ કમિશ્નરે આ મામલે નિવેદન આપતા કહ્યું કે આ સુરક્ષામાં ચૂક નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ હુબલીમાં દેશનાં વિકાસની વાત કરતાં કહ્યું કે રમકડાંથી માંડીને પ્રવાસ સુધી, સુરક્ષાથી લઈને ડિજિટલાઈઝેશન સુધી ભારત સમગ્ર દુનિયામાં હેડલાઈન બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતનાં વિકાસની યાત્રાનું ચાલક બળ યુવા શક્તિ છે. આવનારાં 25 વર્ષો દેશને બનાવવામાં અત્યંત મહત્વનાં રહેશે. યુવા શક્તિનાં સપનાઓ દેશની દિશા નક્કી કરશે. યુવા શક્તિનું પેશન ભારતની શક્તિ નક્કી કરશે.પીએમે કહ્યું કે ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો વિવેકાનંદજીનો આ ઉદ્ઘોષ, ભારતનાં યુવાનોનો જીવન મંત્ર છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પહેલા મોહન ભાગવત સાથે ખાસ વાતચીત, શું કહ્યું RSS પ્રમુખે?
પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકને ઘણી ગંભીર રીતે જોવામાં આવે છે
પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકને ઘણી ગંભીર રીતે જોવામાં આવે છે. પ્રધાનમંત્રીના કોઇપણ કાર્યક્રમ પહેલા એડવાન્સ સિક્યોરિટી લિએજન (એએસએલ) મીટિંગ થાય છે. જેમાં એસપીજી સાથે સ્થાનીય પોલીસ અને પ્રશાસનના અધિકારી સામેલ હોય છે. આ મીટિંગમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની દરેક મિનિટની સુરક્ષાનું વિશ્લેષણ થાય છે. પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા સાથે ચૂકનો મામલો ઘણો ચર્ચાનો વિષય રહ્યો હતો. પંજાબમાં સડક માર્ગે બઠિંડાથી ફિરોજપુર જઇ રહેલા પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકવો પડ્યો હતો.