હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી યોજાવાની છે જ્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની બાકી છે. આવી સ્થિતિમાં ગુજરાત-હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિર-દર્શનથી શું ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે?
ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝે સી-વોટર સાથે સર્વે (ABP C voter Survey) કર્યો હતો અને તમામ મુદ્દાઓ પર લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરના સર્વેમાં બંને રાજ્યોના લોકો પાસેથી અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા.
ગુજરાત-હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બનશે?
મોદી ફેક્ટર અને વિપક્ષની પાસે મોડી ફેક્ટરનો તોડ, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઉપરાંત અરવિંદ કેજરીવાલે કરેલા દાવા પ્રમાણે શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ ચમત્કાર દેખાડી શકશે કે નહીં? આ સર્વેમાં બંને રાજ્યોના લોકો પાસેથી આ તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
PM મોદી દ્વારા હિન્દુ ધર્મસ્થળોની મુલાકાતથી કોને ફાયદો થશે?
આ પ્રશ્નના ઉત્તરમાં 56 ટકા ઉત્તરદાતાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિન્દુ ધર્મસ્થળોની મુલાકાતથી ભાજપને ફાયદો થશે, જ્યારે 46 ટકા લોકોનું માનવું છે કે તેનાથી કોઈ ફાયદો નથી. આ સી-વોટર સર્વેમાં 57 ટકા લોકોનું માનવું છે કે પીએમ મોદી પર સીધો પ્રહાર કરવાથી ઉલટાનું વિપક્ષને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી બાજુ 43 ટકા લોકો માને છે કે, તેનાથી વિપક્ષને કોઈ નુકસાન થશે નહીં.
મનીષ સિસોદિયાને 'આજના ભગત સિંહ' કહેવું યોગ્ય છે?
જો આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો, 63 ટકા લોકો સહમત છે કે, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ‘આજના ભગત સિંહ’ કહેવું ખોટું છે. તો બીજી બાજુ 37 ટકા લોકોએ તેને યોગ્ય ગણાવ્યું હતું. આ સી-વોટર સર્વે મુજબ મનીષ સિસોદિયાની સીબીઆઇ દ્વારા પૂછપરછ મામલે 42 ટકા લોકોનું માનવું છે કે, તેનાથી ભાજપને ફાયદો થશે. તો બીજી બાજુ 15 ટકા ઉત્તરદાતાના મતે તેનાથી કોંગ્રેસ અને 34 ટકા લોકોના મતે AAP પાર્ટીને લાભ થઇ શકે છે.
શું કોંગ્રેસ ચૂંટણીની સિક્રેટ તૈયારી કરી રહી છે?
આ સી-વોટર સર્વેમાં ભાગ લેનારા 18 ટકા લોકો માને છે કે, કોંગ્રેસ ગુજરાત ચૂંટણી માટે સિક્રેટ રીતે તૈયારી કરી રહી છે. 46 ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસ ગુજરાતના ચૂંટણી જંગથી બહાર છે, જ્યારે 36 ટકા લોકો માને છે કે કોંગ્રેસ લડાઈમાં છે.
મલ્લિકાર્જૂન ખડગેથી કોંગ્રેસની સ્થિતિ સુધરશે?
મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સવાલ પર 25 ટકા લોકોનું માનવું છે કે તેનાથી કોંગ્રેસની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. તો બીજી બાજુ 42 ટકા લોકોએ કહ્યું કે, સ્થિતિ બદલાશે જ્યારે 33 ટકા લોકોનું કહેવુ છે કે પરિસ્થિતિ વધારે ખરાબ થશે.