સુરતની એક કોર્ટ દ્વારા માનહાનીના કેસમાં દોષિત જાહેર કર્યા પછી અને સજા સંભળાવ્યા પછી રાહુલ ગાંધી સંસદની સદસ્યતા ખતમ થઇ ગઇ છે. 23 માર્ચે સુરતની કોર્ટે મોદી સરનેમને લઇને કરેલા કથિત વિવાદિત નિવેદન પર રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. આ સજાનો આધાર બનાવતા લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
2019ના ચૂંટણી પરિણામો પર નજર કરવામાં આવે તો રાહુલ ગાંધી એકમાત્ર સાંસદ નથી જેમના પર અપરાધિક કેસ નોંધાયેલો છે. 2019માં ચૂંટાયેલા કુલ સાંસદોમાંથી 233 એટલે કે લગભગ અડધા સાંસદો સામે અપરાધિક કેસ નોંધાયેલા હતા. જેમાં સૌથી વધારે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (એડીઆર)2019ની ચૂંટણી પરિણામો પછી એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં તેમણે 539 સાંસદોના શપથપત્રનું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણ પ્રમાણે 43 ટકા સાંસદ એવા હતા જેમના પર અપરાધિક કેસ નોંધાયેલા હતા.
2019માં ચૂંટણી જીતેલા બીજેપીના સૌથી વધારે સાંસદ ગુનાહિત
2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 303 સાંસદ ચૂંટણી જીત્યા હતા. એડીઆરના મતે તેમાંથી 39 ટકા એટલે કે 116 સાંસદો સામે અપરાધિક કેસ નોંધાયેલા હતા. બીજેપી પછી કોંગ્રેસ બીજા નંબરે હતી. કોંગ્રેસના તો અડધાથી વધારે 57 ટકા સાંસદો અપરાધિક મામલાનો સામનો કરી રહ્યા છે. પાર્ટીએ 52 સીટો જીતી હતી અને તેના 29 સાંસદો પર આપરાધિક કેસ હતા. ત્રીજા નંબરે જેડીયુ હતી, જેના 13 સાંસદ (81 ટકા)પર અપરાધિક કેસ ચાલી રહ્યા હતા.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ, માનહાની કેસમાં 2 વર્ષની સજા પછી મોટો નિર્ણય
29 ટકા સાંસદો સામે રેપ-મર્ડર જેવા ગંભીર ગુના
2019માં ચૂંટણી જીતેલા 29 સાંસદો એવા છે જેમની સામે રેપ, મર્ડર, અટેમ્પ્ટ ટૂ મર્ડર, મહિલાઓ સામે હિંસા જેવા ગંભીર અપરાધિક મામલા ચાલી રહ્યા છે. જો ગંભીર મામલાની વાત કરવામાં આવે તો 2009ના મુકાબલે 2019 આવતા-આવતા ગંભીર કેસનો સામનો કરી રહેલા સાંસદોની સંખ્યામાં 109 ટકાનો વધારો થયો છે.
10 વર્ષમાં 20 ટકા વધ્યા ગુનાહિત સાંસદ
આંકડા પર નજર કરવામાં આવે તો લોકસભા દર વર્ષે ગુનાહિત સાંસદોની સંખ્યામાં વધારો થયો છે. 2009 અને 2019 વચ્ચે દસ વર્ષોમાં ગુનાહિત સાંસદોની સંખ્યામાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. 2009માં 162 સાંસદો એવા હતા જેમના પર અપરાધિક કેસ નોંધાયેલા હતા. આ લગભગ 30 ટકા હતા. 2014ની ચૂંટણીમાં અપરાધિક સાંસદોની સંખ્યા વધીને 185 થઇ ગઇ હતી. જે કુલ સાંસદોના 34 ટકા હતા.