BJP on Rahul Gandhi : ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે રાહુલ ગાંધી પર અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને માર મારવામાં આવ્યા હોવાની તેમની ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા. ભાજપે માંગ ઉઠાવી કે, કોંગ્રેસે તેમને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ.
જો મલ્લિકાર્જુન ખડગે રિમોટથી કામ ન કરતા હોય તો રાહુલ ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રિમોટથી કામ ન કરતા હોય અને જો વિપક્ષી પાર્ટી દેશની સાથે ઉભી હોય તો રાહુલને તેમની ટિપ્પણી માટે હાંકી કાઢવા જોઈએ. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, રાહુલે ભારતનું અપમાન કર્યું છે અને સશસ્ત્ર દળોનું મનોબળ તોડ્યું છે.
ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, 1962 યાદ કરો, ત્યારે દેશની શું હાલત હતી? તો પછી દેશની કેટલી જમીન પર ચીનનો કબજો થયો હતો? જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે નાના દેશો આપણને ડરાવતા હતા. હવે કોઈ ભારત તરફ આંખ ઉંચી કરીને જોઈ શકતુ નથી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “રાહુલ ગાંધીનું નિવેદન અત્યંત અભદ્ર, બાલિશ અને રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રેરિત કરનારું છે. તે ભારત અને ભારતીય સેનાને આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત કરવા જઈ રહ્યા છે. અમે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આ વિચારસરણીની નિંદા કરીએ છીએ. અમે તેમની પાસેથી માંગ કરીએ છીએ કે, તેઓ દેશની જનતા અને દેશના બહાદુર જવાનોની માફી માંગે.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, એવું લાગે છે કે રાહુલ ગાંધીએ દુશ્મન દેશો સાથે કરાર કર્યો છે કે જ્યારે પણ ભારતીય સેના તેની તાકાત બતાવશે ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સેનાનું મનોબળ તોડવાનું કામ કરશે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ભારતની એક ઇંચ પણ જમીન પર અતિક્રમણ થયું નથી.
આ 1962નું ભારત નથી – અનુરાગ ઠાકુર
તો, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું, “હું તેમને યાદ અપાવવા માંગુ છું કે આ 1962નું ભારત નથી પરંતુ 2022નું ભારત છે. ડોકલામ ઘટના દરમિયાન રાહુલ ચીનના રાજદૂતને મળ્યા હતા. એવું લાગે છે કે, તે ચાઇનીઝની તરફેણમાં છે.” અનુરાગ ઠાકુરે કહ્યું કે, કદાચ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ભારતીય સેનામાં વિશ્વાસ નથી, પરંતુ અમને અમારી સેનામાં પૂરો વિશ્વાસ છે. ભારતીય સેના એટલી મજબૂત છે કે તે સર્જિકલ સ્ટ્રાઈક પણ કરે છે અને અતિક્રમણ કરનારાઓને જડબાતોડ જવાબ આપે છે.
આ પણ વાંચો – ભારત જોડો યાત્રા : ચીનના મુદ્દા પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો પ્રહાર, કહ્યું – તવાંગના મુદ્દે સરકાર ઊંઘી રહી છે
રાહુલ ગાંધીએ સેના પર વિવાદિત નિવેદન આપ્યું છે
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જયપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને સરકાર ઉંઘી રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર આ ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં ભારતીય સૈનિકો સાથે મારપીટ કરવામાં આવી રહી છે.