(હમઝા ખાન) રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 2023 ને હવે માત્ર 8 મહિના બાકી છે. આવી સ્થિતિમાં બંને કટ્ટર રાજકીય પાર્ટીઓએ દાવપેચ રમવાનું શરૂ કરી દીધું છે. ભાજપે ગુરુવારે આશ્ચર્યજનક રીતે સતીશ પુનિયાને રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવીને આ જવાબદારી ચિત્તોડગઢના લોકસભાના સાંસદ ચંદ્ર પ્રકાશ જોશીને સોંપી દીધી. ભાજપના આ નિર્ણયને રાજકીય રીતે બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભાજપે ચૂંટણીના વર્ષ જ કેમ પ્રદેશ પ્રમુખ બદલ્યા અને તેનાથી ભાજપને કેવી રીતે ફાયદો થશે, ચાલો સમજીએ.
શું ચંદ્ર પ્રકાશ જોશી મજબૂત નેતા છે?
રાજસ્થાનની ચિતોડગઢ બેઠકના લોકસભા સાંસદ ચંદ્ર પ્રકાશ જોશી બ્રાહ્મણ નેતા છે. તેમના મૂળ આરએસએસ સાથે જોડાયેલા છે અને પાર્ટીમાં તેમનું કદ ખૂબ ઊંચું માનવામાં આવે છે. તેમમે ચિત્તોડગઢમાં પોતાની કૉલેજમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે એબીવીપીથી રાજકીય કારર્કિદીની શરૂ કરી. ત્યારબાદ તેઓ ભદેસરમાં જિલ્લા પરિષદના સભ્ય બન્યા અને ઉપ-પ્રમુખના હોદ્દા સુધી પહોંચ્યા હતા. તેમણે રાજસ્થાન ભારતીય જનતા યુવા મોરચા (BJYM)માં પણ અનેક પદો સંભાળ્યા હતા.
વર્ષ 2014માં સીપી જોશીએ ચિતૌડગઢ લોકસભા મતવિસ્તારમાંથી 3.16 લાખ વોટના માર્જિનથી ચૂંટણી જીતી હતી. તેમણે 2019માં ફરી વાર કોંગ્રેસના હરીફ ગોપાલ સિંહ શેખાવતને હરાવીને લોકસભા ચૂંટણીમાં બીજી વખત જીત હાંસલ કરી હતી. આ વખતે મતની સરસાઇ પહેલા કરતા વધીને 5.76 લાખ વોટ થઇ ગઇ હતી. જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં બીજું સૌથી મોટું વોટ માર્જિન હતુ.
કેવા છે જાતિ આધારિત સમીકરણ?
ચંદ્ર પ્રકાશ જોશી ઓગસ્ટ 2020થી ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે ચૂંટણીના વર્ષમાં ભાજપ એક બ્રાહ્મણ નેતાને પોતાના નેતા બનાવીને આ જાતિની વોટ બેંક હાંસલ કરવાનો પ્રયાસ કરશે. રાજસ્થાનમાં ચાર બ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા છે અને આ જાતિના મુખ્યમંત્રી બનનાર નેતાઓની સંખ્યા સૌથી વધારે છે.
ભાજપે જેમને રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવ્યા છે તે સતીશ પુનિયા જાટ જાતિમાં આવે છે. જો કે આ સમુદાયની વોટ બેંક બ્રાહ્મણ કરતા ઘણી વધારે છે, પરંતુ રાજસ્થાનમાં આ જાતિનો એક પણ નેતા ક્યારેય મુખ્યમંત્રી બન્યો નથી.
આ પણ વાંચો- ભાજપમાં ફેરફાર: રાજસ્થાનમાં સરપ્રાઇઝ, બ્રાહ્મણ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા
ચૂંટણી ધીમે ધીમે નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં કોઇ રાજકીય પક્ષમાં બ્રાહ્મણ પ્રતિનિધિત્વની વાત કરીયે તો ભાજપ ખાલી દેખાય છે. છેલ્લે રાજસ્થાન ભાજપમાં ઘનશ્યામ તિવારી લાંબા સમયથી બ્રાહ્મણ નેતા તરીકે જોવા મળ્યા હતા. તેઓ છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તત્કાલીન ભાજપના મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે મતભેદ થતાં ઘનશ્યામ તિવારીએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. જો કે તેઓ ફરી ભાજપમાં પરત ફર્યા છે પરંતુ 75 વર્ષના ઘનશ્યામ તિવારીનો પાર્ટીમાં પહેલા જેવો દબદબો નથી. સીપી જોશી સંગઠનની સમજ ધરાવતા મજબૂત નેતા માનવામાં આવે છે.





