જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ગુરુવારે ભારતીય સેનાના વાહન પર થયેલા હુમલાના જવાબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંરક્ષણ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતીય સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓને રાજૌરી-પુંછ સેક્ટરમાં જ્યાં ગઈ કાલે આ ઘટના બની હતી તે વિસ્તારની નજીક બે જૂથોમાં 6-7 આતંકવાદીઓ કાર્યરત હોવાની માહિતી મળી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, ગુરુવારે સેનાના વાહન પર થયેલા હુમલામાં આતંકવાદીઓનું આ જ જૂથ સામેલ હતું. પૂંછ સેક્ટરમાં થયેલા આ હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. સંરક્ષણ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય સેનાએ ડ્રોન અને સર્વેલન્સ હેલિકોપ્ટર સાથે અનેક ફોર્સ ટીમો ઉતારી છે. આ જવાનો શંકાસ્પદ વિસ્તારમાં સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો – ભારતીય સેનાના ટ્રક પર આતંકવાદીઓએ ફેંક્યો ગ્રેનેડ, આગ લાગવાના કારણે પાંચ જવાન શહીદ
આ સિવાય સંરક્ષણ સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે, શંકાસ્પદ આતંકવાદીઓના સંબંધ લશ્કર અને પાકિસ્તાન સાથે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પુંછ વિસ્તારમાં તેમના પ્રવેશ માર્ગ વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાં ગુફા જેવી ઘણી કુદરતી રચનાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાના ટ્રક પર આગ લાગવાનું કારણ આતંકી હુમલો બતાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ભારતીય સેનાના હવાલાથી જણાવ્યું કે ગુરુવારે ભારતીય સેનાનું એક વાહન રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે જઇ રહ્યું હતું. આ વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબારી કરી હતી. ફાયરિંગના કારણે વાહનમાં આગ લાગી ગઇ હતી. મળેલી જાણકારી પ્રમાણે હુમલા દરમિયાન આતંકીવાદીઓ દ્વારા વાહન પર ગ્રેનેડ ફેંકવાની પણ આશંકા છે.