RBI Withdraw Rs 2000 Notes : ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે અને તમામને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં જમા કરવા જણાવ્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની “ક્લીન નોટ પોલિસી”ના અનુસંધાનમાં 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. તમામ બેંકમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની ડિપોઝિટ કરી શકશો અને બદલાવી શકશો. 2000 રૂપિયા નોટ તમારી પાસે હોય તો તેનું શું થશે, કેવી રીતે બદલાવશો તે બધા જ સવાલના જવાબો અહીં આપવામાં આવ્યા છે.
આગળ હવે શું થશે?
2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે તમામ બેંકો 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટો માટે ડિપોઝિટ અથવા એક્સચેન્જની સુવિધા પૂરી પાડશે.
RBIએ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી કેમ પાછી ખેંચી?
આ વાતને સમજાવતા RBIએ કહ્યું કે 2000 મૂલ્યની 89% નોટ બેંકમાંથી લગભગ માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી. 31 માર્ચ 2018ના રોજ ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય 6.73 લાખ કરોડ હતું. જે 31 માર્ચ 2023ના રોજ 3.62 લાખ કરોડ થઈ ગયું છે. ચલણમાં રહેલી નોટોના માત્ર 10.8% જ છે. એવું પણ જોવામાં આવ્યું છે કે આ નોટનો વ્યવહારો માટે સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. અન્ય નોટો લોકોના ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી છે.
આ પણ વાંચો – આરબીઆઈ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશો
2000 રૂપિયાની નોટ કેવી રીતે જમા કરાવવી કે બદલાવવી?
આરબીઆઈએ જણાવ્યું હતું કે લોકો તેમના બેંક ખાતામાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે અથવા કોઈપણ બેંક શાખામાં અન્ય મૂલ્યોની બીજી નોટોમાં બદલી શકે છે. બેંક ખાતાઓમાં જમા કરવાના હાલ જે નિયમો છે તે પ્રમાણે કરી શકશો.
સેન્ટ્રલ બેંકે કહ્યું કે ઓપરેશનલ સગવડતા સુનિશ્ચિત કરવા અને બેંક શાખાઓની નિયમિત પ્રવૃત્તિઓમાં વિક્ષેપ ન આવે તે માટે 2000 રૂપિયાની નોટ કોઈપણ બેંકમાં એક સમયે 20,000 રૂપિયાની મર્યાદામાં જમા કરાવી શકશો કે બદલાવી શકશો. આ સુવિધા 23 મે 2023થી શરૂ થશે. આ સિવાય 23 મે થી આરબીઆઈના 19 ક્ષેત્રીય કાર્યાલયોમાં 20,000 રૂપિયાની મર્યાદામાં 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા આપશે.
હાલમાં 2000 રૂપિયાની કેટલી નોટો ચલણમાં છે?
2000 રૂપિયાની અંદાજે 181 કરોડ નોટો છે. આનું મૂલ્ય 3.62 લાખ કરોડ રૂપિયા જેટલું છે. જે ચલણમાં રહેલી ભારતીય ચલણી નોટોના લગભગ 10.8% જેટલું છે. 31 માર્ચ 2018ના રોજ આ નોટોનું કુલ મૂલ્ય 6.73 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતુ. જે સૌથી ટોચે પહોંચ્યું હતું.
શું 30 સપ્ટેમ્બર 2023 પછી નોટોનો ઉપયોગ ક્યાંય પણ થઈ શકે છે?
આરબીઆઈનું નોટિફિકેશન કહે છે કે 2000 રૂપિયાની નોટો 30 સપ્ટેમ્બર, 2023 સુધી બેંકોમાં બદલી શકાશે. આ પછી તે ચાલશે કે નહીં તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. RBI તરફથી સ્પષ્ટતા જરૂરી છે કારણ કે મોટાભાગના લોકો આ પ્રશ્ન પૂછી રહ્યા છે.
શું નોટોની આવી રીતે વિડ્રોલની ઘટના પહેલા બની છે?
2014માં આરબીઆઈએ 2005 પહેલા જારી કરાયેલી તમામ નોટો ચલણમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લીધી હતી. 22 જાન્યુઆરી 2014ના નોટિફિકેશનમાં લોકોને 1 એપ્રિલ પછી આ નોટો બદલવા માટે બેંકોનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી. રિઝર્વ બેંકે ત્યારબાદ સ્પષ્ટતા કરી હતી કે 2005 પહેલા જારી કરાયેલી નોટો ચાલુ રહેશે. પરંતુ તેમાં કહેવામાં આવ્યું હતું કે 1 જુલાઈ 2014 પછી 500 અને 1000ની 10થી વધુ નોટ બદલવા માટે, બિન-ગ્રાહકોએ બેંક શાખાને ઓળખપત્ર અને રહેઠાણનો પુરાવો આપવો પડશે.