Republic Day 2023 Updates: દેશ ગુરુવારે પોતાનો 74મો ગણતંત્ર દિવસ મનાવશે. ગણતંત્રની પૂર્વસંધ્યા પર રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ પ્રથમ વખત દેશને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ કહ્યું કે જ્યારે આપણે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ ત્યારે એક રાષ્ટ્રના રૂપમાં આપણે મળીને જે ઉપલબ્ધિઓ મેળવી છે તેનો ઉત્સવ મનાવીએ છીએ.
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણે બધા એક જ છીએ અને આપણે બધા ભારતીય છીએ. આટલા બધા પંથો અને આટલી બધી ભાષાઓને આપણને વિભાજિત કર્યા નથી પણ જોડ્યા છે. જેથી આપણે લોકતાંત્રિક ગણરાજ્યના રુપમાં સફળ થયા છીએ. આ ભારતનો સાર તત્વ છે. ભારતે એક ગરીબ અને નિરક્ષર રાષ્ટ્રની સ્થિતિથી આગળ વધીને વિશ્વ મંચ પર એક આત્મવિશ્વાસથી ભરેલા રાષ્ટ્રનું સ્થાન લઇ લીધું છે. સંવિધાન નિર્માતાઓની સામૂહિક બુદ્ધિમતાથી મળેલા માર્ગદર્શન વગર આ પ્રગતિ સંભવ ન હતી.
પારંપરિક જીવન મૂલ્યોના વૈજ્ઞાનિક પહેલુઓને સમજવા પડશે
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે પોતાની બુનિયાદી પ્રાથમિકતાઓ પર પુર્નવિચાર કરવાની જરૂર છે. પારંપરિક જીવન મૂલ્યોના વૈજ્ઞાનિક પહેલુઓને સમજવા પડશે. આપણે ફરી એક વખત વિશાળ બ્રહ્માંડ સામે પ્રકૃતિ અને વિનમ્રતા પ્રત્યે સન્માન જગાડવું પડશે. મહાત્મા ગાંધી આપણા સમયના સાચા ભવિષ્યવક્તા હતા, કારણ કે તેમણે અંધાધુંધ ઔદ્યોગિકરણની મુશ્કેલીઓને પહેલાથી જ જાણી લીધી હતી અને દુનિયાને પોતાની રીતથી સુધારવા માટે ચેતવ્યા હતા.
આ પણ વાંચો – નવી દિલ્હીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી: તેમની મુલાકાતનું મહત્વ અને ઇજિપ્ત સાથે ભારતના સંબંધો
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે હું તે બહાદુર જવાનોની વિશેષ રુપથી પ્રશંસા કરું છું જે આપણી સરહદોની રક્ષા કરે છે અને કોઇપણ ત્યાગ અને બલિદાન માટે હંમેશા તૈયાર રહે છે. દેશવાસીઓને આંતરિક સુરક્ષા પ્રદાન કરતા અર્ધ સૈનિક બળો તથા પોલીસ બળોના બહાદુર જવાનોની પણ પ્રશંશા કરું છું.
દુનિયાએ ભારતને સન્માનની એક નવી ભાવના સાથે જોવાનું શરુ કરી દીધું છે
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન જેવી સૌથી વધારે દબાણ વાળી સમસ્યાઓ પર ચર્ચા કરવા અને સમાધાન શોધવા માટે જી-20 એક આદર્શ મંચ છે. દુનિયાએ ભારતને સન્માનની એક નવી ભાવના સાથે જોવાનું શરુ કરી દીધું છે. વિભિન્ન વૈશ્વિક મંચો પર આપણા હસ્તક્ષેપે સકારાત્મક ફેરફાર લાવવાના શરુ કરી દીધા છે. ભારતે વૈશ્વિક મંચ પર જે સન્માન મેળવ્યું છે તેના પરિણામસ્વરુપ નવી તકો અને જવાબદારીઓ મળી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત આ વર્ષે જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે લોકતંત્ર અને બહુપક્ષવાદને વધારવાની એક તક છે. એક સારી દુનિયા અને સારા ભવિષ્યને આકાર આપવા માટે યોગ્ય મંચ છે. મને વિશ્વાસ છે કે ભારતના નેતૃત્વમાં જી-20 એક અધિક ન્યાયસંગત અને ટકાઉ વિશ્વ વ્યવસ્થા બનાવવાના પોતાના પ્રયત્નોને વધારે વધારવામાં સક્ષમ રહેશે.જી-20 વિશ્વની લગભગ બે તૃતિયાંશ જનસંખ્યા અને જીડીપીના લગભગ 85 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા અને સમધાન શોધવા માટે એક આદર્શ મંચ છે.