બિહારના રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં નીતિશ કુમારના નેતૃત્વમાં જેડીયૂ અને આરજેડીની સરકાર છે પણ હવે આરજેડીના એક ધારાસભ્યે મોટો દાવો કર્યો છે. આરજેડીના ધારાસભ્ય વિજય મંડલનો દાવો છે કે આગામી મહિનામાં હોળી પછી તેજસ્વી યાદવને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તેમણે એ પણ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર સ્વંય તેમને સત્તા આપશે. આ દાવા પછી રાજનીતિ હલચલ તેજ થઇ ગઇ છે. જોકે જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ લલન સિંહે દાવાને ખોટા ગણાવતા કહ્યું કે આવો કોઇ નિર્ણય થયો નથી.
લલન સિંહે કહ્યું- સીએમનો નિર્ણય ચૂંટણી પછી ધારાસભ્ય કરશે
લલન સિંહે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી 2025માં થશે. નીતિશ કુમારે કહ્યું હતું કે 2025ની ચૂંટણીમાં ગઠબંધનનું નેતૃત્વ તેજસ્વી યાદવ કરશે. તેનો ફક્ત એટલો મતલબ હતો કે તેમના નેતૃત્વમાં ગઠબંધન ચૂંટણી લડશે. જોકે રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય ધારાસભ્યો જ કરશે. હાલ બિહારમાં ચૂંટણી થવા જઇ રહી નથી.
લલન સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળ રાજ્યમાં મોટી પાર્ટી છે અને તેની પાસે 80 ધારાસભ્યો છે. જનતા દળ (યુ) પાસે ફક્ત 43 ધારાસભ્યો છે. આવમાં આરજેડી નેતાઓની એ માંગણી રહી છે કે મોટી પાર્ટી હોવાના નાતે તેમના નેતા જ સીએમ હોવા જોઈએ. આવી માંગણી ઘણી વખત આવી ચૂકી છે પણ હજુ તેના પર કોઇ નિર્ણય થયો નથી.
આ પણ વાંચો – હૈદરાબાદમાં કાળજુ કંપાવી તેવી ઘટના, રખડતા કૂતરાએ ચાર વર્ષના બાળકને ફાડી ખાધું, જુઓ વીડિયો
બિહારમાં જ્યારથી ભાજપ સાથે જેડીયૂનું ગઠબંધન તુટ્યું છે ત્યારથી એ માંગણી જોર પકડી રહી છે કે રાજ્યમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવે. તેને લઇને આશા ત્યારે વધી હતી જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારે કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે તેજસ્વી યાદવને આગળ વધારવાનો છે. તેમણે કહ્યું હતું કે ગઠબંધનના નેતા તેજસ્વી યાદવ રહેશે.
ઉપેન્દ્ર કુશવાહાનો નીતિશ કુમાર પર પ્રહાર
રાષ્ટ્રીય લોક જનતા દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ ફરી એક વખત નીતિશ કુમાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે હું સીધો જનતા વચ્ચે જઇશ અને કર્પૂરી ઠાકુરની વિરાસતને આગળ વધારીશ. જેડીયૂને હવે કોઇ બચાવી શકે નહીં. લોકોએ કર્પૂરી ઠાકુરની વિરાસતની રક્ષા માટે નીતિશ કુમારને વોટ આપ્યો. તેમણે તેમને જ છોડી દીધા. જેડીયૂ પાસે હવે કશું જ બચ્યું નથી.