scorecardresearch

સમાજવાદી પાર્ટી અને આરએલડી ગઠબંધનમાં મતભેદના સંકેત, પશ્ચિમ યુપીની સીટો પર વિવાદ

civic polls : એસપી અને આરએલડી વચ્ચેના સંબંધોમાં મતભેદ ત્યારે સપાટી પર આવ્યા જ્યારે બંને સહયોગીઓએ પશ્ચિમ યુપીમાં ઘણી બેઠકો માટે પોત-પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે

Samajwadi Party - RLD
અખિલેશ યાદવ અને જયંત ચૌધરી (ફાઇલ ફોટો)

અશદ રહમાન : અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી (એસપી)અને જયંત ચૌધરીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકદળે (આરએલડી) ઉત્તર પ્રદેશમાં આગામી અર્બન લોકલ બોડી ચૂંટણીઓમાં તેમનું ગઠબંધન યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે હાલના દિવસોમાં તેમના વચ્ચે ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને મતભેદ વધવાના સંકેતો છે. સપાએ આ મતભેદો પર વધારે ભાવ આપ્યો નથી. બીજી તરફ આરએલડીએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે સમાજવાદી પાર્ટીએ પશ્ચિમ યુપીમાં એવી સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જે આરએલડીની પરંપરાગત સીટ છે. આરએલડી આ ચૂંટણીમાં ઘણા ઉમેદવારો મેદાનમાં ઉતારવા માંગે છે.

એસપી અને આરએલડી વચ્ચેના સંબંધોમાં મતભેદ ત્યારે સપાટી પર આવ્યા જ્યારે બંને સહયોગીઓએ પશ્ચિમ યુપીમાં ઘણી બેઠકો માટે પોત-પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મેરઠના મવાના નગર પાલિકા પરિષદના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં સપાએ દીપક ગિરીને તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા, જ્યારે આરએલડીએ અયુબ કાલિયાને તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેવી જ રીતે બાગપતની ખેખડા નગર પાલિકાના કિસ્સામાં એસપીએ સંગીતા ધામાને અધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકિત કર્યા જ્યારે આરએલડીએ રજની ધામાને ટિકિટ આપી છે.

તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે એસપીએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે બરૌત અને બાગપતમાં એસપી દ્વારા અધ્યક્ષ પદની ચૂંટણી લડવામાં આવશે નહીં અને તે આરએલડીને સમર્થન આપશે. એસપી સૂત્રોએ જણાવ્યું હતું કે મવાના નગર પાલિકાના અધ્યક્ષ પદને લઈને પણ બંન્ને પક્ષો વચ્ચેના મુદ્દાઓ ઉકેલવામાં આવશે.

જોકે મેરઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ SP-RLD ગઠબંધન માટે વિવાદનું કારણ બની રહ્યું છે. એસપીએ જાહેરાત કરી છે કે ધારાસભ્ય અતુલ પ્રધાનની પત્ની સીમા પ્રધાન મેરઠના મેયર માટે ચૂંટણી લડશે. જ્યારે આરએલડી પણ આ પદ માટે ચૂંટણી લડવા તૈયાર છે. આરએલડીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટી નેતૃત્વ ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.

આ પણ વાંચો – હું બીજેપી સાથે રહેવા માંગુ છું, મુકુલ રોયના નિવેદનથી હલચલ તેજ, અમિત શાહ પાસે માંગ્યો મુલાકાતનો સમય

આરએલડીના રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ ઉજ્જવલે કહ્યું કે આરએલડીએ મંગળવારે એક બેઠક યોજી હતી. એસપીએ પહેલાથી જ કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામ પાછા ખેંચી લીધા છે. અન્ય કેટલીક સીટો ઉપર પણ પાછા ખેંચી લેશે. જ્યાં સુધી મેરઠના મેયર પદનો સંબંધ છે અમે પાર્ટીમાં તેના પર વધુ ચર્ચા કરીશું અને ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું. ગઠબંધન ચાલુ રહેશે. એસપી અને આરએલડી વચ્ચે ગઠબંધનમાં કોઈ વિવાદ નથી.

આ દરમિયાન એસપીના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી મેરઠની મેયરની બેઠક આરએલડીને નહીં આપે. એક સૂત્રએ જણાવ્યું હતું કે અમે બે બેઠકો પર એડજસ્ટ થયા છીએ પરંતુ મેરઠની ટિકિટ પહેલાથી જ ધારાસભ્યની પત્નીને આપવામાં આવી છે. તેથી અમે તે આરએલડીને આપીશું તે શક્ય નથી.

સપાના રાષ્ટ્રીય પ્રવક્તા અબ્દુલ હફીઝ ગાંધીએ કહ્યું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આ મતભેદો સામાન્ય છે. આ મુદ્દાઓ સ્થાનિક ચૂંટણીઓમાં થઈ શકે છે, પરંતુ અમારું ગઠબંધન અકબંધ રહેશે.

એસપીના એક નેતાએ જણાવ્યું હતું કે આવા મુદ્દાઓ ઉભા થાય છે કારણ કે પાર્ટીને આ ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓને ટિકિટ નકારવી મુશ્કેલ લાગે છે. કોઈપણ પક્ષ માટે કોઈ એવી વ્યક્તિને ના કહેવું અઘરું છે જે છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. પરંતુ પાર્ટીના દરેક કાર્યકર અને નેતા જાણે છે કે પાર્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરવું પડશે.

આરએલડીના એક નેતાએ કહ્યું કે જો સપા બિનસાંપ્રદાયિક પક્ષો સાથે ભાજપ સામે લડવા માંગે છે તો તેણે તેના સાથી પક્ષો સાથે સમાધાન કરવું પડશે. સપા ગઠબંધનમાં સૌથી મોટો ભાગીદાર છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે અમે સાથે મળીને ભાજપનો સામનો કરી રહ્યા છીએ. અન્ય તમામ સાથી પક્ષો જે સપાએ અગાઉ છોડી દીધા હતા અને આજે ભાજપની સાથે બેઠા છે. તેઓએ સમજવું જોઈએ કે લડાઈ વૈચારિક છે અને તેના માટે તેઓએ સમાધાન કરવું પડશે. અમે સમાધાન પણ કરીશું પરંતુ તે એકતરફી વસ્તુ ન હોઈ શકે.

2019ની લોકસભાની ચૂંટણીમાં બંનેએ હાથ મિલાવ્યા ત્યારથી SP-RLD ગઠબંધનને થોડી અડચણોનો સામનો કરવો પડ્યો છે પરંતુ બંને પક્ષો અત્યાર સુધી તેમના મતભેદોને દૂર કરવામાં સફળ રહ્યા છે. જ્યારે SPએ 2022ની વિધાનસભા ચૂંટણી માટે અનેક નાના પક્ષો સાથે એક છત્ર જોડાણ બનાવ્યું હતું. ત્યારે RLD એ એકમાત્ર એવો પક્ષ છે કે જેણે તેમના જોડાણને સફળતા ન મળ્યા પછી પણ SP સાથેના સંબંધો તોડ્યા નથી. તેના અન્ય સાથીઓ જેવા કે ઓમ પ્રકાશ રાજભરની એસબીએસપી અને કેશવ દેવ મૌર્યના મહાન દળ ચૂંટણી પછી તરત જ એસપીથી અલગ થઈ ગયા હતા.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે SPએ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું, ત્યારે તેમની વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદ પણ થયો હતો. જેમાં ઘણા મતવિસ્તારોમાં બંને સાથી પક્ષો દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. 2022માં 403 સભ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ એસપીને ટિકિટ ફાળવણીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેના ગઠબંધનના ઘણા ઉમેદવારો ઘણી બેઠકો પર ઉભરી આવ્યા હતા.

2022ની ચૂંટણીમાં એસપીએ કુલ 347 બેઠકોમાંથી 111 બેઠકો જીતી હતી, જ્યારે આરએલડીએ લડેલી 33 બેઠકોમાંથી 8 પર જીતી મેળવી હતી. યુપીની 760 શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ, જેમાં 17 મ્યુનિસિપલ કોર્પોરેશન, 199 નગરપાલિકા પરિષદ અને 544 નગર પંચાયતોનો સમાવેશ થાય છે. 4 અને 11 મેના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

Web Title: Rumblings in samajwadi party and rld alliance as civic polls seat sharing

Best of Express