Jain community protests : સમ્મેદ શિખરના મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ પર્યટન સ્થળ બનાવવાના નિર્ણય પર તત્કાળ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે આ મામલે એક કમિટી પણ બનાવવામાં આવી છે. કેન્દ્રએ ઝારખંડ સરકારને પણ આ મુદ્દા પર જરૂરી પગલા ભરવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાના નિર્ણયથી જૈન સમાજ ઘણો નારાજ ચાલી રહ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં તમામ પ્રવાસન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્રએ કમિટી બનાવતા કહ્યું કે રાજ્ય સરકાર સમિતિમાં જૈન સમુદાયના બે સભ્યો અને સ્થાનિક આદિવાસી સમુદાયના એક સભ્યનો સમાવેશ કરે. કેન્દ્રએ રાજ્યને 2019ની અધિસૂચનાના ખંડ-3ના પ્રાવધાનો પર રોક લગાવવાનો આદેશ પણ કર્યો છે.
આ નિર્ણય કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની જૈન સમુદાયના પ્રતિનિધિયો સાથે મુલાકાત પછી આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ જૈન સમુદાયને વિશ્વાસ અપાવ્યો હતો કે મોદી સરકાર સમ્મેત શિખરની પવિત્રતા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો – જૈન સમુદાયનો વિરોધ: ગુજરાત અને ઝારખંડ સાથે ક્યાં- ક્યાં મુદ્દા જોડાયેલા છે? જાણો અહીં
કેમ થઇ રહ્યો છે વિવાદ?
પારસનાથ ટેકરી પર સમ્મેદ શિખર છે. જે સૌથી મહત્વપૂર્ણ જૈન તીર્થસ્થાનોમાં ગણવામાં આવે છે, જ્યાં 24માંથી 20 જૈન તીર્થંકરોએ મોક્ષ (salvation) પ્રાપ્ત કર્યો હોવાનું માનવામાં આવે છે. ઝારખંડ સરકારે ફેબ્રુઆરી 2019 માં, દેવઘરમાં બૈધ્યાનાથ ધામ અને દુમકામાં બાસુકીનાથ ધામ જેવા મંદિરો સાથે, ગિરિડીહ જિલ્લામાં પારસનાથ વિસ્તારને ‘પર્યટન સ્થળ’ તરીકે ઘોષિત કર્યા હતા.ત્યારબાદ ઓગસ્ટ 2019 માં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ટેકરીને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, આ વિસ્તારમાં ” વિકસતા ઇકો-ટુરિઝમને સપોર્ટ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.
ડિસેમ્બરમાં કોઈએ આ સૂચનાઓ વિષે વાંચ્યું ત્યારે ખબર પડી
શિખરજી’ના પ્રવક્તા બ્રહ્મચારી તરુણ ભૈયાજીએ કહ્યું હતું કે તેઓને તાજેતરમાં જ સરકારી સૂચનાઓ વિષે જાણ થઇ હતી. કેન્દ્ર કે રાજ્ય સરકારે ” પહાડીને ઇકો- સેન્સિટિવ ઝોન અને ટુરિસ્ટ સ્પોટ જાહેર કરતી વખતે કોઈ જ જૈન સમુદાયના લોકોનો સંપર્ક કર્યો નથી. અમને 3 વર્ષ પછી આ સૂચનાઓની જાણ થઇ હતી, જયારે ડિસેમ્બરમાં કોઈએ આ સૂચનાઓ વિષે વાંચ્યું ત્યારે ખબર પડી હતી.