મનોજ સીજી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વી ડી સાવરકર પર કરેલી ટિપ્પણીને લઇને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપત્તિ વ્યક્ત કરી હતી. ઠાકરેએ રવિવારે મહારાષ્ટ્રમાં એક રેલીમાં કહ્યું હતું કે તે સાવરકરને પોતાના આદર્શ માને છે અને રાહુલ ગાંધીએ તેમનું અપમાન કરવાથી બચવું જોઈએ. આ વિવાદ વચ્ચે એનસીપીના ચીફ શરદ પવાર સામે આવ્યા છે. તેમણે આ મામલે રાહુલ ગાંધીને ચુપ રહેવાની સલાહ આપી છે.
લોકસભા સદસ્યતા રદ થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોર્ટમાં માફી માગવાના એક સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી ક્યારેય માફી માંગતા નથી.
વિપક્ષી નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ આ મામલાને લઇને શાંત રહેવા માટે તૈયાર થઇ ગઇ છે. બેઠકમાં સામેલ બે નેતાઓએ જણાવ્યું કે પવારે સોમવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા બોલાવેલી વિપક્ષી નેતાઓને બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે સાવરકર પર પ્રહાર કરવાથી મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનમાં મતભેદ આવી જશે. બેઠકમાં વિપક્ષી દળોના નેતાઓ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા.
આ પણ વાંચો – ઉદ્ધવ ઠાકરેની ચેતવણી બાદ સંજય રાઉત રાહુલ ગાંધીને મળશે, સાવરકરની ટીકા નહીં કરવાનું કહેશે
એનસીપી ચીફ શરદ પવારે આ દરમિયાન કહ્યું કે સાવરકર ક્યારેય આરએસએસના સદસ્ય ન હતા અને તે વાતને રેખાંકિત કરી કે વિપક્ષી દળોની અસલી લડાઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે છે.
સાવરકરે જે પીડાઓ સહન કરી છે તે કોઇ સહન કરી શકે નહીં – ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવે કહ્યું કે આજે હું સાર્વજનિક મંચથી કરી રહ્યો છું કે આ બધું ચાલશે નહીં. સાવરકરે જે પીડાઓ સહન કરી છે તે કોઇ સહન કરી શકે નહીં. આપણે લોકતંત્રને બચાવવા એકસાથે આવ્યા છીએ. આવા નિવેદનો ના કરો, જેનાથી તિરાડ (શિવસેના અને કોંગ્રેસ વચ્ચે)ઉભી થાય. ઠાકરેએ કહ્યું કે જે સાવરકરે 14 વર્ષ પીડાઓ સહન કરીને દેશને આઝાદી અપાવી તે સાવરકર પણ સ્વર્ગથી જોઈ રહ્યા છે કે આજે શું ચાલી રહ્યું છે. જેથી કહી રહ્યો છું કે મુદ્દાથી ભટકશો નહીં, અમે સાવરકરના ભક્ત છીએ. મહારાષ્ટ્રમાં આ લડાઇ હું મુખ્યમંત્રી થવા માટે લડી રહ્યો નથી.
ઉદ્ધવ ઠાકરેના નિવેદન પછી ભાજપે કહ્યું હતું કે તમે કહો છો કે સાવરકરનું અપમાન અસ્વીકાર્ય છે. જો આમ છે તો તમે મહાવિકાસ અઘાડી (એમવીએ) કેમ છોડી દેતા નથી. એમવીએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી બન્યું હતું જે જૂન 2022 સુધી સત્તામાં રહ્યું હતું. આ ગઠબંધનમાં શિવસેના (યૂબીટી), એનસીપી અને કોંગ્રેસ સામેલ છે.