Shaligram Stones: અયોધ્યામાં રામ મંદિરનું (Ram Mandir)નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. રામલલા અને જાનકીની મૂર્તિ બનાવવા માટે શાલિગ્રામ શિલાઓ (Shaligram Stones)નેપાળથી અયોધ્યા પહોંચી ગઇ છે. ગુરુવારે આ શિલાઓ અયોધ્યા પહોંચતા શ્રદ્ધાળુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિલાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવશે. તેના પરિણામ આવ્યા પછી જ શિલાઓમાંથી મૂર્તિ નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે.
કર્ણાટક અને ઓરિસ્સાથી પણ મંગાવવામાં આવી રહી છે શિલાઓ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના મતે બે ટ્રકોમાં આ શિલાઓને નેપાળથી અયોધ્યા લાવવામાં આવી છે. જોકે હજુ એ નક્કી નથી કે રામલલાની પ્રતિમા આ જ શિલાઓથી બનાવવામાં આવશે. મૂર્તિ નિર્માણના વિશેષજ્ઞ પહેલા આ શિલાઓનું પરીક્ષણ કરશે. માન્યતા છે કે શાલિગ્રામ શિલાઓના પૂજનથી ઘરમાં શાંતિ આવે છે. ટ્રસ્ટની પ્રાથમિકતા નેપાળથી મંગાવવામાં આવેલી શાલિગ્રામ શિલાઓમાંથી જ રામલલાની મૂર્તિ બનાવવાની છે. જોકે અંતિમ નિર્ણય શિલાઓના પરીક્ષણ પછી જ લેવામાં આવશે. ટ્રસ્ટ તરફથી ઓરિસ્સા અને કર્ણાટકથી પણ શિલાઓ મંગાવવામાં આવી છે. તેમનું પણ પરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષણમાં લગભગ 2 મહિનાનો સમય લાગી શકે છે.
પરીક્ષણથી શું નક્કી થશે
આ શિલાઓના પરીક્ષણથી એ નક્કી કરવામાં આવશે કે મૂર્તિઓના નિર્માણ પછી તેમાં કોઇ પ્રકારની ખામી ના આવી જાય. તપાસથી એ વાતની પૃષ્ટી કરવામાં આવશે કે મૂર્તિના નિર્માણ પછી તેની ચમકમાં કોઇ પ્રકારનો ફેરફાર આવી શકે છે? આ સિવાય આ મૂર્તિ કેટલો સમય સુધી સુરક્ષિત રહી શકે છે તેની પણ પૃષ્ટી તપાસથી કરી શકાશે. જણાવી દઈએ કે શ્રીરામ જન્મભૂમિ મંદિરનું પ્રથમ તળ ડિસેમ્બર 2023 સુધી બનીને તૈયાર થઇ જશે. જાન્યુઆરી 2024માં રામલલા પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઇ જશે.
આર્કિયોલોજી વિભાગથી મળી મંજૂરી
આ શિલાઓને આર્કિયોલોજી વિભાગની મંજૂરી મળ્યા પછી જ ભારત લાવવામાં આવી છે. આ શિલાઓને કારસેવક પુરમમાં રાખવામાં આવશે. અહીં મંદિર નિર્માણ માટે પત્થરોને શોધવાનું કામ ઝડપથી પુરું કરવામાં આવી રહ્યું છે. નેપાળના જનકપુરની કાલી નદીમાંથી આ શિલાઓને બહાર કાઢવામાં આવી હતી. એક શિલાનું વજન 18 ટન છે જ્યારે બીજી શિલાનું વજન 16 ટન છે