આલોક દેશપાંડે : એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે બુધવારે શરદ પવારના ઉત્તરાધિકારી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બારામતીના સાંસદ સુપ્રિયા સુલેના નામની ભલામણ કરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે રાજ્યની જવાબદારી વિપક્ષના નેતા અજિત પવારને સોંપવી જોઈએ, જે શરદ પવારના ભત્રીજા છે.
આ પ્રથમ વખત છે જ્યારે એનસીપીના કોઈ નેતાએ નેતૃત્વની ભૂમિકા માટે સુલે અને અજિતના નામને જાહેરમાં સમર્થન આપ્યું છે. એનસીપીના વડા શરદ પવારે પક્ષના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને તેમના અનુગામીની પસંદગી માટે એક સમિતિની નિમણૂક કર્યાના એક દિવસ પછી આ નિવેદન સામે આવ્યું છે. નેતાઓ અને કાર્યકરો દ્વારા પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે વારંવારની વિનંતીઓ અને માંગણીઓ છતાં શરદ પવારે અત્યાર સુધી નિર્ણય પરત લીધો નથી.
બુધવારે બાંદ્રા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ભુજબળે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે શરદ પવાર રાજીનામું પાછું ખેંચી લે. પરંતુ જો તેઓ તેના પર મક્કમ છે તો મને લાગે છે કે સુપ્રિયા સુલેને રાષ્ટ્રીય જવાબદારી સોંપવી જોઈએ જ્યારે અજિત પવારને રાજ્યની જવાબદારી સોંપવી જોઈએ.
આ પણ વાંચો – શું સુપ્રિયા સુલે સંભાળી શકે છે પિતા શરદ પવારની જવાબદારી? પાર્ટીમાં આવી રીતે વધ્યું કદ
પવારના ઉત્તરાધિકારીને આખરી ઓપ આપવા એનસીપીના વરિષ્ઠ નેતાઓએ બેઠક યોજી હોવાના અહેવાલો વચ્ચે પક્ષના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે બુધવારે આવી કોઈ બેઠક યોજાવાની નથી. તેમણે કહ્યું કે હું સમિતિનો કન્વીનર છું અને જ્યારે તે યોજાશે ત્યારે હું તમને અગાઉથી જાણ કરીશ. હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ અટકળો ન કરો. તેમણે બારામતી લોકસભાના સાંસદ સુપ્રિયા સુલેને સમિતિ દ્વારા રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવશે તેવા અહેવાલો વચ્ચે આ વાત કહી હતી.
ભુજબળના અભિપ્રાય વિશે પુછતાં પ્રફુલ પટેલે કહ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને દરેક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હકદાર છે. પક્ષના આગામી પ્રમુખ તરીકે સુપ્રિયા સુલે ઉપરાંત પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચાયું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ પદ માટે મેદાનમાં નથી.
પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે તેમણે (શરદ પવારે) અમને બેથી ત્રણ દિવસનો સમય આપ્યો છે, જ્યાં સુધી તેઓ તેમના નિર્ણય પર વિચાર કરશે. તેમને તેમ કરવા દો. અત્યાર સુધી તેમણે રાજીનામું પાછું ખેંચવાનો કોઈ ઇરાદો દર્શાવ્યો નથી.