ચૂંટણી પંચ (EC) એ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને સાચી શિવસેના તરીકે માન્યતા આપી હતી અને રાજકીય પક્ષના ચૂંટણી પ્રતિક ‘ધનુષ અને તીર’ ફાળવ્ય છે. શિવસેનાના સત્તા નિયંત્રણ માટેની લાંબી લડાઈ અંગેના 78 પાનાના આદેશમાં ચૂંટણી પંચે રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ઉદ્ધવ ઠાકરે જૂથને ‘સળગત મશાલ’ ચૂંટણી ચિહ્ન ફાળવવાની મંજૂરી આપી હતી. એક જ રાજકીય પક્ષના બે જૂથો એ આવો વિવાદ સર્જાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં ચૂંટણી પંચને રાજકીય પાર્ટીના ચૂંટણી ચિન્હની ફાળવણીમાં દખલગીરી કરવાની ફરજ પડી હતી.
લોક જનશક્તિ પાર્ટી (LJP)નું બંગલા ચિહ્ન
પાછલી વખતે ચૂંટણી પંચે ઓક્ટોબર 2021માં આવો સમાન નિર્ણય લીધો હતો, જ્યારે તેણે લોક જનશક્તિ પાર્ટી (LJP) ના ‘બંગલા’ ચૂંટણી પ્રતીકને ફ્રીજ કરી દીધું હતું. જૂન 2021માં પાર્ટીનું વિભાજન થયું હતું. શિવસેનાની ઘટનાની જેમ તે સમયે ચૂંટણી પંચે નોંધ્યું હતું કે લોક જનશક્તિ પાર્ટીના બે જૂથોમાંથી કોઈ એક તેનો ઉપયોગ તે વર્ષના અંતમાં બિહારમાં કુશેશ્વર અસ્થાન અને તારાપુર બેઠકો માટેની વિધાનસભા પેટાચૂંટણીમાં કરી શકે છે.
સમાજવાદી પાર્ટી (સાયકલ)
જાન્યુઆરી 2017માં, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તત્કાલિન શાસક સમાજવાદી પાર્ટીમાં જૂથવાદનો વિવાદ ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો, જેમાં પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવને તેમના પુત્ર અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળના જૂથ દ્વારા 2 જાન્યુઆરીએ અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા બાદ ‘સાયકલ’ ચિહ્ન પર દાવો કર્યો હતો.
અખિલેશ યાદવની આગેવાની હેઠળના જૂથે પણ ચૂંટણી ચિહ્ન પર પોતાના અધિકાર હોવાનો દાવો કરવા ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. આખરે ચૂંટણી પંચે અખિલેશ યાદવને આ ચિહ્ન સોંપી દીધું.
AIADMK (બે પાંદડા)
ઓ પનીરસેલ્વમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના અવસાન પછી 5 ડિસેમ્બર 2016 ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ ફેબ્રુઆરી 2017માં તેમની હકાલપટ્ટી કરવામાં આવી. ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ સાથે, જયલલિતાના સાથી શશિકલાએ નક્કી કર્યું કે તેમના પસંદ કરેલા પલાનીસ્વામી મુખ્યમંત્રી બને. ઓગસ્ટ 2017માં, જો કે, પનીરસેલ્વમ અને પલાનીસ્વામી એક સાથે આવ્યા અને શશિકલા અને તેના સહયોગી દિનાકરણને AIADMKમાંથી હાંકી કાઢ્યા.
તે જ સમયે આ રાજકીય પક્ષના બંને જૂથો શશિકલા-દિનાકરન, પનીરસેલ્વમ-પલાનીસ્વામીએ AIADMKના બે પાંદડા વાળા ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો કર્યો હતો, જેના કારણે ચૂંટણી પંચે પ્રતીકને ફ્રીઝ કરી દીધું હતું. ત્યારબાદ 23 નવેમ્બર 2017ના રોજ ચૂંટણી પંચે પન્નીરસેલ્વમ-પલાનીસ્વામીને બે પાંદડા વાળા ચૂંટણી ચિહ્નની ફાળવણી કરી અને નિર્ણયમાં જણાવ્યું કે, તેમના જૂથને AIADMK ની ધારાસભ્ય અને સંગઠનાત્મક શાખામાં બહુમતી સમર્થન છે. શશિકલા-દિનાકરન જૂથે આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.