મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટું રમખાણ મચ્યું છે. ચૂંટણી પંચે શિવસેનાની કમાન તેના મુખ્ય સ્થાપક ઉદ્ધવ ઠાકરે પાસેથી આંચકી લઇને એકનાથ શિંદેને સોંપી છે. આ સાથે એકનાથ શિંદેને ચૂંટણી ચિન્હ તીર અને ધનુષ પણ મળ્યું છે. ઉદ્ધવ ઠાકરે માટે આ ઘટના મોટા ફટકા સમાન છે જે શિવસેનાના મુખ્ય સ્થાપક બાલાસાહેબ ઠાકરેના પુત્ર છે. બાલાસાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ શિવસેનાની સ્થાપના કરી અને 1968માં તેમણે શિવસેનાની રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવી હતી.
શિવસેનાએ 1971માં પહેલીવાર ચૂંટણી લડી હતી
શિવસેનાએ પહેલીવાર વર્ષ 1971ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ કમનસીબે તમામ ઉમેદવારોની હાર થઇ હતી. વરષ 1971થી 1984 સુધી યોજાયેલી તમામ ચૂંટણીઓમાં શિવસેનાને અલગ-અલગ પ્રકારના પ્રતીક મળ્યા હતા. 1985માં મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણીમાં શિવસેનાને પ્રથમ વખત ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ મળ્યું હતું. ત્યારથી જ ધનુષ અને તીર શિવસેનાનું ચૂંટણી ચિન્હ બની ગયું.
જ્યારે શિવસેનાની રચના થઈ ત્યારે તે મરાઠી પક્ષ ગણાતો અને મરાઠી માનુષ માટે લડતો હતો. પરંતુ તે પછી ધીમે ધીમે પાર્ટીએ તેની છબી કટ્ટર હિંદુવાદીમાં તબદીલ કરી દીધી. 23 જાન્યુઆરી 1988ના રોજ, બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનાની મરાઠી આવૃત્તિની શરૂઆત કરી હતી.
શિવસેના – ભાજપ ગઠબંધન
વર્ષ 1989ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને તેના ચાર સાંસદો જીત્યા હતા. ત્યાર બાદ 1990ની સ્થાનિક વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને 52 બેઠકો પર જીતી હાંસલ કરી હતી. ત્યારથી શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપના મોટા ભાઈ તરીકે સતત પોતાની હાજરી નોંધાવી રહ્યું હતું. જો કે વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપે વધુ બેઠકો મેળવી અને શિવસેનાના સમર્થનથી સરકાર બનાવી. આ ગઠબંધનવાળી સરકારે સંપૂર્ણ પાંચ વર્ષ પૂરા કર્યા હતા.

ભાજપ અને શિવસેના બંને પક્ષોના નેતાઓ વચ્ચે ઉગ્ર આક્ષેપો – કટાક્ષપૂર્ણ નિવેદનો થતા રહે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં એક સમયે એવું લાગતું હતું કે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન નહીં થાય, પરંતુ ગઠબંધન થયું અને પાર્ટીને સફળતા મળી. ત્યાર પછી 2019માં મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી, જેમાં ભાજપે 105 બેઠકો જીતી જ્યારે શિવસેનાને માત્ર 56 બેઠકો મળી હતી.
શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડ
ભલે ભાજપ શિવસેના ગઠબંધનને બહુમતી હાંસલ કરી હોય, પરંતુ શિવસેનાએ કહ્યું કે, અઢી-અઢી વર્ષ માટે બંને પક્ષોના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપે શિવસેનાની માંગ ન સ્વીકારી અને ત્યાર બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મંત્રણા શરૂ કરી. પરંતુ તે દરમિયાન એક મોટો નાટકીય વળાંક આવ્યો જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના ધારાસભ્યોના સમર્થનથી મુખ્યમંત્રી તરીકે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
આ ઘટનાક્રમ બાદ એનસીપીના ધારાસભ્યો શરદ પવાર પાસે ગયા અને એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ ગઠબંધન કર્યું, જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. ત્યારબાદ ગઠબંધન પર ઘણી વખત સંકટ આવ્યું પરંતુ સરકાર ચાલતી રહી. અખરે જૂન 2022માં ગઠબંધન પર સૌથી મોટું સંકટ ત્યારે ઊભું થયું જ્યારે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ 15 શિવસેના ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે બળવો કર્યો અને ધારાસભ્યો સાથે પહેલા સુરત અને ત્યારબાદ ત્યાંથી ગુવાહાટી ગયા.
શિંદેનો બળવો અને બન્યા મહારાષ્ટ્રના ‘નાથ’
આ ઘટના બાદ શિંદે જૂથમાં ધારાસભ્યોની સંખ્યા વધતી રહી અને 25 જૂને એકનાથ શિંદેએ દાવો કર્યો કે શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો તેમની સાથે છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ માટે કહ્યું પરંતુ 29 જૂને ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું. 30 જૂને એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી, જેમાં શિંદે મુખ્યમંત્રી બન્યા અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા.
આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરે જૂથને ફટકો, એકનાથ શિંદે જૂથનું નામ રહેશે શિવસેના, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ એકનાથ શિંદેએ શિવસેનાના નામ અને ચિહ્ન પર પોતાનો દાવો કર્યો હતો. આ વિવાદ ચૂંટણી પંચમાં અને ત્યારથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, શિવસેનાના નામ અને ચિહ્ન પર કોનો હક છે તે ચૂંટણી પંચ નક્કી કરશે. આજે એટલે કે, 17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને પ્રતીક એકનાથ શિંદે જૂથને આપ્યા. અત્રે નોંધનીય છે કે, રાજકારણમાં આવતા પહેલા એકનાથ શિંદે રિક્ષાચાલક હતા.