Shraddha Walker Murder case: શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં આરોપી આફતાબ પૂનાવાલાએ (Aftab Poonawala)સ્વીકાર કર્યો છે કે તેણે જ શ્રદ્ધાનું મર્ડર કર્યું હતું અને બોડીના ટુકડે-ટુકડા કરી દીધા હતા. તેણે શ્રદ્ધાની ઓળખ છુપાવવા માટે બીજા ઘણા કામ કર્યા હતા જેથી કોઇને ખબર ના પડે કે લાશ શ્રદ્ધાની છે.
શ્રદ્ધાના ઇન્સ્ટાગ્રામને કરી રહ્યો હતો હેન્ડલ
આફતાબે કબૂલનામામાં એ વાત પણ સ્વીકારી કે તેણે શ્રદ્ધાની બોડીના નાના-નાના કટકા કરીને તેને છતરપુર પાસે મહરૌલીના જંગલોમાં ફેંકી દીધા હતા. આ સિવાય તે સતત શ્રદ્ધાના ઇસ્ટાગ્રામને હેન્ડલ કરતો રહ્યો અને એક્ટિવ રહ્યો જેથી કોઇને શંકા ના થાય અને લોકોને લાગે કે શ્રદ્ધા જિવિત છે. જ્યારે તે પહેલા જ તેની હત્યા કરી ચુક્યો હતો. તેણે આ બધી વાત કબુલી છે.
આફતાબે ઘણા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તેણે લાશના ઘણા ટુકડાને પેટ્રોલથી સળગાવ્યા અને હાડકાને ગ્રાઈન્ડર મશીનમાં પીસીને તેના પાઉડરને રસ્તા પર ફેંકી દીધો હતો. આ સિવાય તેણે કહ્યું કે શ્રદ્ધા અને તેના વચ્ચે હંમેશા ઝઘડા થતા હતા તેથી તેણે સંબંધને સુધારવા માટે ટ્રીપ પણ પ્લાન કરી હતી. તે બન્ને 28-29 માર્ચ 2022ના રોજ મુંબઇથી નીકળ્યા અને હરિદ્વાર પહોંચ્યા હતા.
મિત્રએ ઘરમાંથી બહાર કાઢ્યા
આફતાબે જણાવ્યું કે હરિદ્વાર પછી અમે બન્ને ઋષિકેશ, દેહરાદૂન, મસૂરી, મનાલી અને ચંદીગઢ ફર્યા પછી પારવતી વૈલી ગયા હતા. જ્યાં તેમની મુલાકાત બદ્રી નામના એક યુવક સાથે થઇ હતી, જે દિલ્હીમાં રહેતો હતો. એક મહિનાની ટ્રીપ પછી તે શ્રદ્ધા સાથે દિલ્હીમાં બદ્રીના ઘરે ગયા હતા. અહીં 8-10 દિવસ રોકાયા પછી બદ્રીએ બન્નેને ઘરેથી નીકળી જવા કહ્યું હતું, કારણ કે અમારા ઘણા ઝઘડા થતા હતા. આ પછી તેણે 15 મે 2022ના રોજ એક દલાલ દ્વારા દિલ્હીના છતરપુરમાં એક મકાન ભાડે લીધું હતું.
આ પણ વાંચો – દારા શિકોહનું ધડ દિલ્હીથી 250 કિમી દૂર દફનાવ્યું, કેમ મોદી સરકાર મૃત્યુના 350 વર્ષ પછી શોધી રહી કબર
ખર્ચાની વાત પર થયો હતો વિવાદ
કબૂલનામામાં આફતાબે કહ્યું કે આ દરમિયાન બન્ને પાસે જોબ ન હતી અને મોટાભાગના પૈસા ટ્રિપ પર ખતમ થઇ ગયા હતા. આથી ફરી બન્ને વચ્ચે ઝઘડા શરુ થયા હતા. આફતાબે કહ્યું કે 18 મે ના રોજ શ્રદ્ધાએ તેને મુંબઈના વસઇવાળા ઘરેથી સામાન લાવવા માટે કહ્યં હતું. તેના પર તેણે તબિયત ખરાબ હોવાની વાત કહીને જવાથી ઇન્કાર કર્યો હતો. જેના પર શ્રદ્ધા ગુસ્સે થઇ હતી અને કહ્યું કે બન્ને પાસે વધારે સામાન નથી અને રોજ-રોજ બહારનું ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઇ જશે.
આફતાબે કહ્યું કે શ્રદ્ધાને અડધા પૈસા આપવાની વાત કહી તો તે ગુસ્સે ભરાઇ હતી. આફતાબે કહ્યું કે તેણે ઝઘડાથી પરેશાન બનીને હંમેશા માટે છુટકારો મેળવવા માટે નિર્ણય કર્યો હતો. આ પછી તેણે શ્રદ્ધાની જમીન પર પછાડી અને તેનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે શ્રદ્ધાનું મોત થયું હતું.
આફતાબે કહ્યું કે તેણે બોડીને બાથરુમમાં સંતાડી અને લાશના કટકા કરવા માટે હેમર, આરી અને ત્રણ બ્લેડ ખરીદી હતી. 19 મે ના રોજ છતરપુર પાસે એક દુકાનમાંથી ટ્રેશ બેગ, ચપ્પુ અને ચોપર ખરીદ્યું હતું. આ ચાકુથી તેના હાથ ઉપર પણ કટ લાગ્યા હતા. જેનો તેણે પડોશમાં જ ડોક્ટર પાસે સારવાર કરાવી હતી.