ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અદાલતો પર પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા પર ભાર આપી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ડી વાય. ચંદ્રચુડ એ મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળ્યાના એક મહિનાથી પણ સમયગાળામાં, સુપ્રીમ કોર્ટે 2,511 જામીન અને ટ્રાન્સફર અરજીઓ સહિત 6,844 કેસોનો નિકાલ કર્યો છે.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ એ 9 નવેમ્બર, 2022ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કાર્યભાર સંભાળ્યો હતો, તે દિવસથી 16 ડિસેમ્બર, 2022 સુધીમાં કુલ 5,898 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
CJIએ નવેમ્બરમાં એક પૂર્ણ કોર્ટની બેઠકમાં નિર્ણય લીધો હતો કે તમામ 13 ખંડપીઠો લગ્ન સંબંધીત વિવાદોને લગતી 10 ટ્રાન્સફર અરજીઓ અને કેસોનું ભારણ ઘટાડવા માટે દરરોજ આટલી જ સંખ્યામાં જામીન અરજીઓ અંગે પણ સુનાવણી કરશે.
મુખ્ય ન્યાયાદીશ ડી.વાય. ચંદ્રચુડે શપથ લેતા સમયે કહ્યુ હતુ કે, “આ પૂર્ણ કોર્ટ મીટિંગ બાદ, અમે નક્કી કર્યું છે કે દરેક ખંડપીઠ 10 ટ્રાન્સફર પિટિશન પર સુનાવણી કરશે, જે કૌટુબિંક વિવાદ છે, ત્યારબાદ શિયાળાના વેકેશન પહેલા દરરોજ 10 જામીન સંબંધિત કેસોનો નિકાલ કરવામાં આવશે.” નોંધનિય છે કે, ડી.વાય. ચંદ્રચુડે 9 નવેમ્બરના રોજ ભારતના સુપ્રીમ કોર્ટના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તે વખતે તેમણે કહ્યું હતું કે, જામીનની બાબતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, લગ્ન સંબંધના કેસો સંબંધિત 3,000 પેન્ડિંગ પિટિશન છે જ્યાં પક્ષકારો કેસ ટ્રાન્સફર કરવા માંગે છે.
ફુલ કોર્ટે કહ્યું હતું કે જો દરેક ખંડપીઠ દરરોજ 10 ટ્રાન્સફર કેસની સુનાવણી કરે છે, તો 13 ખંડપીઠ “એક દિવસમાં 130 અને અઠવાડિયામાં 650 કેસમાં નિર્ણય લઈ શકશે. તેથી શિયાળાની રજાઓ પૂર્વે અદાલત બંધ થવાની પહેલા જે પાંચ અઠવાડિયા અમારી પાસે છે ત્યાં સુધીમાં તમામ ટ્રાન્સફર પિટિશનનો નિકાલ થઈ જશે.” જસ્ટિસ ચંદ્રચુડે એવું પણ કહ્યું હતું કે તેમણે સપ્લિમેન્ટરી યાદીમાં છેલ્લી ક્ષણે સુનાવણી કરવાના કેસોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે જેથી ન્યાયાધીશો પર કામનું ભારણ ઘટી શકે જેઓ મોડી રાત સુધી કેસોની ફાઇલો જોવા મજબૂર છે.
આ પણ વાંચોઃ કોણ છે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ
સુપ્રીમ કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયાધીશે જામીન અરજીઓ અને લગ્ન સંબંધી ટ્રાન્સફરના કેસોને પ્રાથમિકતા આપીને કેસોની સુનાવણીને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો છે.