ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્ત કેવી રીતે થાય તેના પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈ ચીફની જેમ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે એક કમિટી બને જેમાં પ્રધાનમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામેલ હોય. આ કમિટી એક નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક થાય. કોર્ટે એ પણ કહ્યું કે જો કમિટીમાં લોકસભામાં વિપક્ષના નેતા નથી તો સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાનો તેમાં સમાવેશ કરવામાં આવે.
કોર્ટે કહ્યું – લોકતંત્રમાં ચૂંટણીમાં નિષ્પક્ષતા બનાવી રાખવી જોઈએ
કોર્ટે કહ્યું કે લોકતંત્રમાં ચૂંટણીમાં નિષ્પક્ષતા બનાવી રાખવી જોઈએ નહીંતર તેના વિનાશકારી પરિણામ આવશે. ચૂંટણી નિશ્ચિત રુપથી નિષ્પક્ષ થવી જોઈએ. કોર્ટે સર્વસંમત નિર્ણયમાં ચૂંટણી પ્રક્રિયાઓમાં નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા પર ભાર આપતા કહ્યું કે લોકતંત્ર લોકોની ઇચ્છા સાથે જોડાયેલ છે.
કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતથી કામ કરવા માટે બાધ્ય છે. તેણે સંવૈધાનિક સ્ટ્રક્ચર અંતર્ગત કાર્ય કરવું જોઈએ. લોકતંત્ર નાજુક છે અને કાનૂનના શાસન પર નિવેદનબાજી તેના માટે નુકસાનકારક હોઇ શકે છે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય તે અરજીઓ પણ સંભળાવ્યો જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. આ નિર્ણય જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આપ્યો છે. બેન્ચે આ મામલામાં ગત વર્ષે 24 નવેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલ ભગવંત માનને સાથે લઇને અચાનક ઉદ્ધવ ઠાકરેને મળવા કેમ પહોંચ્યા? વાંચો ઇનસાઇડ સ્ટોરી
અત્યાર સુધી કેવી રીતે થાય છે CEC અને ECની નિમણૂક?
એટોર્ની જનરલ આર વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે વર્તમાન સિસ્ટમ લાંબા સમયથી કામ કરી છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે સચિવ સ્તરના સર્વિંગ અને નિવૃત્ત અધિકારીઓનું લિસ્ટ તૈયાર થાય છે. આ નામોની એક પેનલ બને છે જેને પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. આ પેનલમાંથી પ્રધાનમંત્રી કોઇ એક નામની ભલામણ કરે છે. જે પછી રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવે છે.
આ જ રીતે ચૂંટણી કમિશનર આગળ ચાલીને મુખ્ય ચૂંટણી કમિશનર બને છે. જો મુખ્ય ચૂંટણી કમિશનર નિવૃત્ત થઇ રહ્યા છે તો બે ચૂંટણી કમિશનરમાંથી જોવામાં આવશે કે બન્નેમાંથી વરિષ્ઠ કોણ છે. બન્નેમાંથી જે વરિષ્ઠ હશે તેને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાશે.