The Kerala Story : ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ હવે પશ્ચિમ બંગાળના થિયેટરોમાં પણ રિલીઝ થશે. સીએમ મમતા બેનર્જીએ વિવાદોમાં રહેલી આ ફિલ્મ પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ મુક્યો હતો. જોકે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે ફિલ્મની રિલીઝમાં આવતી અડચણને હટાવી છે અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના રાજ્ય સરકારના આદેશ પર રોક લગાવી દીધી હતી.
ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ માં કથિત રીતે કેરળની 32 હજાર મહિલાઓને ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને આતંકી સંગઠન આઈએસઆઈએસમાં ભરતી કરવામાં આવી હોવાની ઘટના બતાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ તે વિવાદમાં આવી ગઇ હતી. અનેક રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને અન્યોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
પશ્ચિમ બંગાળ સરકારે 8 મેના રોજ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુક્યો હતો. ગુરુવારે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે આ પ્રતિબંધને ખોટો ગણાવ્યો અને તેના પર સ્ટે લગાવી દીધો છે. જેથી રાજ્યમાં ફિલ્મ બતાવવાનો રસ્તો હવે ક્લિન થઈ ગયો છે.
આ પણ વાંચો – કર્ણાટક બાદ હવે આ રાજ્યોમાં જામશે ચૂંટણી જંગ, જાણો કેટલો રસપ્રદ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મુકાબલો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં યોગ્ય ડિસ્ક્લેમર હોવું જોઈએ. ફિલ્મ નિર્માતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે 32 હજાર કે તેથી ઓછા કે તેથી વધુ સંખ્યામાં ધર્માંતરણ થયો હોવાના દાવાને સમર્થન કરવા માટે કોઈ વિશ્વસનીય ડેટા નથી. આ મુદ્દે ફિલ્મ ફક્ત કાલ્પનિક દાવો બતાવી રહી છે. આવી સ્થિતિમાં ડિસ્ક્લેમર 20 મે ના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઉમેરવામાં આવશે.
તો બીજી તરફ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેમના ત્યાં આ ફિલ્મ પર કોઇ પ્રતિબંધ નથી. આ નિવેદનને રેકોર્ડ પર લેતા કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તમામ સિનેમા હોલમાં સુરક્ષાની જરૂરી વ્યવસ્થા કરવામાં આવે અને દર્શકોની સુરક્ષા માટે જરૂરી પગલા લેવામાં આવે.