સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતને સમર્થન આપતાં બંધારણના 103માં સુધારણા અધિનિયમ- 2019ની માન્યતાને સમર્થન આપ્યું છે. જો કે દેશમાં 10 ટકા ઇડબ્લ્યુએસ અનામતનો અમલ મુશ્કેલ દેખાઇ રહ્યો છે. તમિલનાડુ રાજ્યમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની અધ્યક્ષતામાં વિધાનસભાના સર્વપક્ષીય બેઠકમાં તેને નકારી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તમિલનાડુમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામત આપતો 103મો બંધારણીય સુધારો નકારવા માટે ઠરાવ લેવામાં આવ્યો હતો. રાજકીય પક્ષોએ કહ્યું કે સુધારો ગરીબોમાં જાતિ ભેદભાવ ઉભો કરશે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમીક્ષા અરજી દાખલ કરવા જણાવ્યું હતું. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી AIADMK અને BJPએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
રાજ્યમાં EWS ક્વોટા લાગુ કરાશે નહીં :
આ બેઠક બાદ રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે પોનમુડીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 10 ટકા અનામત લાગુ કરશે નહીં. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી તમિલનાડુનો સંબંધ છે, અમે રાજ્યમાં 69 ટકા અનામતની વર્તમાન વ્યવસ્થાને અનુસરવાનું ચાલુ રાખીશું. અમે EWS ક્વોટા લાગુ કરીશું નહીં. સુપ્રીમ કોર્ટે એવું નથી કહ્યું કે તમામ રાજ્યોમાં EWS લાદવામાં આવે. અમને લાગે છે કે રાજ્યોએ અનામત અંગે પોતાના નિયમો બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ.”
ગરીબોને મદદ કરતી યોજનાઓને રોકીશું નહીં:
તામિલનાડુના સીએમ સ્ટાલિને આ બેઠકમાં નિવેદન આપતા જણાવ્યુ કે, EWS ક્વોટાનો વિચાર 1950ના દાયકામાં સંસદ તેમજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને કાયદા પ્રધાન બીઆર આંબેડકર પહેલાંથી જ નકારી ચૂક્યા હતા. તેમણે કહ્યું, “કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આપણે ઉચ્ચ જાતિના ગરીબોના માર્ગમાં આવી રહ્યા છીએ. અમે ગરીબોને મદદ કરતી કોઈપણ યોજના બંધ કરીશું નહીં. પરંતુ અમે સામાજિક ન્યાયના સાચા મૂલ્યોને પણ બગાડવા દઇશું નહીં.