(દેબરાજ દેબ) ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભાજપને સ્પષ્ટ જનાદેશ આપ્યાના એક દિવસ બાદ રાજ્યમાં કેટલીક હિંસકની ઘટનાઓ ઘટી છે. ત્રિપુરાના પાટનગર અગરતલા સહિત રાજ્યના વિવિધ પ્રદેશોમાં હિંસાની ઘટનાઓથી માહોલ ગંભીર બની ગયો છે.
indianexpress.com સાથે વાતચીત કરતા પોલીસ હેડક્વાર્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે, “ સિપાહીજાલા, ખોવાઈ, ઉનાકોટી અને પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં રાજકીય જૂથો વચ્ચે ઝપાઝપીની ઘટનાઓ બની છે. હિંસક ઘટનાની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં ચાર કેસ નોંધવામાં આવ્યા છે અને તેમાં 22 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે અને તમામ રાજકીય પક્ષો સાથે શાંતિ બેઠકો યોજવામાં આવી છે.
જો કે અન્ય એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ગુરુવાર સાંજ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિંસાની ઓછામાં ઓછી 50 ઘટનાઓ બની છે અને ત્યારબાદ તેમાં વધારો થયો છે. છેલ્લા અહેવાલો સુધી આવી હિંસક ઘટનામાં લગભગ સાત લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકને સારવાર માટે અગરતલા લઈ જવામાં આવ્યા હતા.
આ હિંસક ઘટનાઓ ત્રિપુરામાં પોતાના દમ પણ બહુમતી સાતે ચૂંટણી જીતનાર ભાજપના સમર્થકો અને વિપક્ષી ડાબેરી મોરચા અને કોંગ્રેસના સમર્થકો અને પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડનાર અને 13 બેઠકો પર જીત હાંસલ કરનાર ટીપરા મોથા પક્ષના સમર્થકો વચ્ચે ઘટી છે.
આવી ઘટનાઓને કાબૂમાં લેવાના પગલાંના ભાગ રૂપે પશ્ચિમ ત્રિપુરા જિલ્લા વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા, શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા માટે CrPCની કલમ 144 હેઠળ કરફ્યુ લાગુ કરી દીધો છે. આ 144ની કલમ શુક્રવારે સાંજે 6 વાગ્યાથી લાગુ થઇ છે અને તે શનિવાર સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે IPCની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ત્રિપુરા પોલીસે આ ઘટના વિશે ટ્વીટ કરતા લખ્યું, “ગઈકાલે NCC પોલીસ સ્ટેશન હેઠળ ભોલાનંદ પલ્લી ખાતે ભાજપના કેટલાક સમર્થકો પર કથિત હુમલામાં પોલીસે કેસ દાખલ કર્યો અને 2 મુખ્ય FIRમાં નામજોગ આરોપીઓની ધરપકડ કરી. તપાસ ચાલુ છે.”
ભાજપના સમર્થકો પર હુમલો
સિપાહીજાલા જિલ્લાના બિશાલગઢમાં ભાજપના સમર્થક કાર્તિક દેબનાથ પર તીક્ષ્ણ હથિયાર વડે કથિત હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં તેના હાથ અને પેટ પર ઇજાઓ થઈ હતી. હુમલામાં ઘાયલ થયા બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
દેબનાથના પરિવારના એક સભ્યએ કહ્યું, “CPI(M) સમર્થકોએ અમારા પર હુમલો કર્યો કારણ કે અમે ભાજપના સમર્થક છીએ પરંતુ પોલીસે આવીને અમારા એક સંબંધીની ધરપકડ કરી. અમારામાંથી ચાર ઘાયલ થયા હતા.
ધોરણ 9ની વિદ્યાર્થીની પૂર્ણિમા સાહાએ જણાવ્યું હતું કે CPI(M) અને કોંગ્રેસ સમર્થિત ગુંડાઓએ તેમના ઘર પર હુમલો કર્યો અને બિલ્ડિંગને નુકસાન પહોંચાડ્યું હતું. “અમે દહેશતમાં રાત વિતાવી છે.”
આ પણ વાંચોઃ ત્રિપુરામાં મહિલા મુખ્યમંત્રી બનાવવા પર વિચાર, શું પ્રતિમા ભૌમિકનો સિતારો ચમકશે?
ડૉ. માણિક સાહાએ હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પુછ્યા
શુક્રવારે તેમના પદ પરથી રાજીનામું આપનારા મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ GBP હોસ્પિટલમાં દાખલ ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી અને ઘટનાઓ પર અત્યંત અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, વિરોધ પક્ષના કાર્યકરોને તેમના નેતાઓએ ઉષ્કેરીયા હતા, તેઓ “આદત થી મજબૂર” છે.