(દેબરાજ દેબ) ચૂંટણીપંચે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય રાજ્યોમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપે આ વખતે પૂર્વોત્તરના આ ત્રણેય રાજ્યોમાં સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડશે. સ્થાનિક રાજકીય પક્ષો તરફથી જોરદાર સ્પર્ધાનો સામનો પણ કરવો પડશે. જાણો ત્રણેય રાજ્યોમાં છેલ્લે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી હતી
વર્ષ 2023 દરમિયાન દેશના લગભગ 8-9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે અને તેની શરૂઆત આગામી ફેબ્રુઆરીથી થશે. ચૂંટણી પંચ દ્વારા ભારતના ત્રણ પૂર્વોત્તર રાજ્યો – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં વર્ષ 2018માં મેળવેલી સત્તા ટકાવી રાખવા માટે ભારે સંધર્ષ કરવો પડી શકે છે. હાલ ત્રિપુરામાં ભાજપની સરકાર છે, જ્યારે નાગાલેન્ડમાં તેણે નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે. ત્રણેય એસેમ્બલી, જેમાં પ્રત્યેક 60 સભ્યો છે,નો કાર્યકાળ માર્ચમાં સમાપ્ત થવાનો છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
ભૂતકાળની ચૂંટણીઓ પર એક નજર
ત્રિપુરા (60 બેઠક, 16 ફેબ્રુઆરીએ મતદાન)
ડાબેરી મોરચાના 25 વર્ષના શાસનનો અંત કરીને ભાજપે વર્ષ 2018માં પહેલીવાર ત્રિપુરામાં સરકાર બનાવી હહતી. 14 મે, 2022ના રોજ અચાનક તેમાં ફેરફાર થયો, ભાજપે બિપ્લબ દેબને હટાવી દીધા અને પ્રમાણમાં ઓછા મહત્વના માણિક સાહાને મુખ્યમંત્રી તરીકે બેસાડી દીધા. કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) સાથે મળીને આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને બંને રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધનની મંત્રણા પ્રગતિના પંથે છે. અલબત્ત વર્ષ 2021માં બનેલી આદિવાસી ટીપ્રા મોથા પાર્ટી ભાજપના સહયોગી આઈપીએફટીના આદિવાસી મતો આંચકી શકે છે. ટીપરા મોથા પાર્ટી ત્રિપુરાની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
ત્રિપુરાની વર્ષ 2018ની ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી અને વોટ શેર :
પક્ષ | જીતેલી બેઠક | વોટશેર |
---|---|---|
ભાજપ | 35 | (43.59%) |
CPI(M) | 16 | (42.22%) |
IPFT | 8 | (7.38%) |
નાગાલેન્ડ (60 બેઠક, 27 ફેબ્રુઆરીએ મતદાન) : –
ભાજપે સૌથી છેલ્લે નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી (NDPP)ની સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં ભાજપે અભૂતપૂર્વ 12 બેઠકો જીતી હતી અને NDPPના નેફિયુ રિયોને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષે, નાગાલેન્ડ રાજ્યમાં ફરીથી નાગા રાજકીય મુદ્દે લાંબા સમયથી રાહ જોવાતી અંતિમ સમાધાનની પળોજણ વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ આશામાં અહીંના તમામ પક્ષોએ હાથ મિલાવ્યા અને 2021માં UDAની રચના કરી હતી.
એક સમયે નાગાલેન્ડ રાજ્યમાં સત્તામાં રહેલા નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) એ ઘોષણા કરી છે કે, તે એકલા અને NDPP-BJP ગઠબંધન સામે ચૂંટણી લડશે. વર્ષ 2018ની જેમ, NDPP-BJP બંને પક્ષોએ ચૂંટણી પૂર્વે ગઠબંધનની ઘોષણા કરી છે, જેમાં ભાજપ 20 બેઠકો પર અને NDPP બાકીની 40 બેઠકો પર ચૂંટણી લડશે.
નાગાલેન્ડની વર્ષ 2018ની વિધાસભા ચૂંટણાના પરિણામ અને વોટ શેર :
પક્ષ | જીતેલી બેઠક | વોટ શેર |
---|---|---|
NPF | 26 | (38.78%) |
NDPP | 17 | (25.30%) |
ભાજપ | 12 | (15.31%) |
જેડી(યુ) | 1 | (4.49%) |
સ્વતંત્ર | 1 | (4.28%) |
મેઘાલય (60 બેઠક, 27 ફેબ્રુઆરીના રોજ મતદાન) : –
ત્રિપુરાના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને ભાજપ વચ્ચે હાલ અણબનાવ છે. વર્ષની 2018ની ચૂંટણીમાં, સંગમાની પાર્ટીને ભાજપ અને પ્રાદેશિક પક્ષોએ સમર્થન આપ્યું હતું, પરંતુ તેમ છતાં તમેણે 60માંથી 53 બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડી હતી. ભાજપની ઇસાઇ વિરોધી જનમાનસની ધારણાને દૂર કરવી મુશ્કેલ બની રહી છે, અસમ પોલીસના વિશેષ દળ દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યા બાદ સમાજની ખોટી ધારણાઓ વધારે મજબૂત થઇ રહી છે, જેમાં ભાજપ શાસિત અસમમાં સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી ધર્માંતરણ અને રાજ્યમાં ચર્ચની સંખ્યા અંગે જાણકારી માંગવામાં આવી હતી.
આ રાજ્યમાં ભાજપ સામે સૌથી વધુ અવાજ ઉઠાવનાર વિરોધ પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) છે, જે મેઘાલયમાં એક નવા રાજકીય પક્ષ તરીકે ઉભરી રહી છે. નવેમ્બર 2021માં, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને છ વખતના ધારાસભ્ય મુકુલ સંગમાની આગેવાનીમાં કોંગ્રેસના હાલના 17 ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો તેમાં જોડાઇ ગયા હતા. લોકપ્રિય નેતા મુકુલ સંગમા પાર્ટીને મદદ કરી શકે છે, ખાસ કરીને ગારો હિલ્સના તેમના ગૃહ મતવિસ્તારમાં, જે 60 સભ્યોની વિધાનસભામાં 24 ધારાસભ્યોને મોકલે છે.
મેઘાલયની વર્ષ 2018ની વિધાસભા ચૂંટણાના પરિણામ અને વોટ શેર :
પક્ષ | જીતેલી બેઠક | વોટશેર |
---|---|---|
ભાજપ | 2 | (9.63%) |
કોંગ્રેસ | 21 | (28.50%) |
HSPDP | 2 | (5.35%) |
NPP | 19 | (20.6%) |
યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી | 6 | (11.61%) |
ખુન હિનેવટ્રેપ રાષ્ટ્રીય જાગૃતિ ચળવળ | 1 | (0.9%) |
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની વિધાનસભા ચૂંટણીનું ટાઇમટેબલ
ચૂંટણી પંચે ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ ત્રણેય રાજ્યોના પરિણામની જાહેરાત 2 માર્ચના રોજ કરવામાં આવશે. વધુ વાંચવા માટે અહીંયા ક્લિક કરો