ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી માફીયા અતીક અહમદને ગુજરાતી સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવામાં આવી રહ્યો છે. પોલીસ અતીકને સડક માર્ગે પ્રયાગરાજ લઇ જઇ રહી છે. આ પહેલા અતીકનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે પોલીસ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડ કેસને લઇને પૂછપરછ કરશે.
પ્રયાગરાજ પોલીસે અતીકને સડક માર્ગે લઇ જવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. જે મધ્ય પ્રદેશના શિવપુરી અને ઉત્તર પ્રદેશના ઝાંસી થઇને પસાર થાય છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે ગુજરાતની સાબરમતીથી પ્રયાગરાજ સુધી સડક યાત્રામાં ઓછામાં ઓછા 36 કલાક લાગશે.
રાજુપાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે અતીક અહમદ
પ્રયાગરાજ પોલીસની એક ટીમ રવિવારે સવારે ગુજરાતની સાબરમતી જેલ પહોંચી હતી. અતીકના ભાઇ અશરફને પણ બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવી શકે છે. આ પહેલા શુક્રવારે રાત્રે ગુજરાતની જેલોમાં રાજ્ય સરકારના આદેશથી પોલીસ અધિકારીઓએ સર્ચ અભિયાન ચલાવ્યું હતું.
આ પણ વાંચો – અતીક અહમદ : રાજુ પાલ સાથે કેવી રીતે શરૂ થઇ હતી દુશ્મની? આવી છે રાજનીતિક સફર
અતીક અહમદ 2005માં બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસનો મુખ્ય આરોપી છે. રાજુ પાલના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવાનો પણ આરોપ છે.
અતીક અહમદ પર 100 કેસ, આખા પરિવાર પર 160 કેસ
રિપોર્ટ્સ પ્રમાણે 60 વર્ષના અતીક અહમદ પર હત્યા, હત્યાનો પ્રયત્ન, ધમકાવવાના અને મારપીટના 100 કેસ નોંધાયેલા છે. અતીક અહમદના પરિવારના સદસ્યો સામે 160થી વધારે કેસ નોંધાયેલા છે. 2017માં યૂપી પોલીસે અતીક અહમદની ધરપકડ કરી હતી ત્યારથી તે જેલમાં છે. યૂપીની સરકાર તેની ઘણી સંપત્તિઓ પર બુલડોઝર ચલાવી ચુકી છે.
કોર્ટના આદેશનું પાલન થઇ રહ્યું છે – બ્રજેશ પાઠક
અખિલેશ યાદવના નિવેદન પર ડિપ્ટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ, કોર્ટ જે કહેશે તે કરવામાં આવશે. આ પ્રકારની વાતોથી કોઇ ફરક પડતો નથી. અખિલેશ યાદવે અતીક અહમદની ગાડી પલટવાને લઇને નિવેદન આપ્યું હતું.