મનીષ સાહુ : ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની ગોળી મારીને હત્યા કર્યા પછી પકડાયેલા ત્રણ લોકોની ઓળખ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની સિંહના રૂપમાં થઇ છે. પોલીસે જણાવ્યું કે તેઓ અનુક્રમે બાંદા, કાસગંજ અને હમીરપુરના રહેવાસી છે.
અતીક અહમદ અને અશરફની શનિવારે રાત્રે મોતીલાલ નેહરુ ઝોનલ હોસ્પિટલ (કોલ્વિન)ના ગેટ પાસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પ્રયાગરાજ પોલીસે બન્નેને મેડિકલ તપાસ માટે લઇ જઇ રહી હતી. ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીક અને અશરફ ચાર દિવસની પોલીસ અટકાયતામાં હતા. હત્યાની ઘટના પર ટીવી પર લાઇવ જોવા મળી હતી. જેમાં બન્ને ભાઇઓ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા.
સની સિંહ હમીરપુરના કુરારા વિસ્તારનો રહેવાસી
સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ પકડાયેલા ત્રણ શખ્સો વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સની સિંહ હમીરપુરના કુરારા વિસ્તારનો રહેવાસી છે. સનીના મોટા ભાઈ પિન્ટુ સિંહે મીડિયાને જણાવ્યું કે તે 10 વર્ષથી ઘરે નથી આવ્યો. ગુનાહિત કેસોમાં તેની સંડોવણીને કારણે અમે તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
આ પણ વાંચો – જે કબ્રસ્તાનમાં પુત્ર અસદને દફનાવાયો હતો ત્યાં જ આજે અતીક અને અશરફને દફનાવાશે
લવલેશ તિવારીના પિતા ડ્રાઈવર
બાંદાના લોમર ગામના વતની લવલેશ તિવારીના પિતા યજ્ઞ કુમાર તિવારી ખાનગી ડ્રાઈવર છે. ઘરના માલિક રમેશ કુમારે મીડિયાને જણાવ્યું કે લવલેશ છેલ્લા સાત વર્ષથી બાંદાના કેવતારા વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. રમેશ કુમારે મીડિયાને કહ્યું કે ગઈકાલના શૂટઆઉટમાં તેની સંડોવણી વિશે જાણ્યા પછી અમે આશ્ચર્યચકિત છીએ. તેમણે ઉમેર્યું હતું કે લવલેશની થોડા વર્ષો પહેલા એક મહિલા પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
અરુણ મૌર્યએ માતા-પિતાના મૃત્યુ પછી ઘર છોડી દીધું હતું
ત્રણ ભાઈઓમાં સૌથી નાનો અરુણ મૌર્ય કાસગંજના બઘેલા પુક્તા ગામનો વતની છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે અરુણે તેના માતા-પિતાના મૃત્યુ પછી ઘર છોડી દીધું હતું. તે પ્રસંગોપાત ઘરની મુલાકાત લેતો હતો અને નોઈડામાં રહેવાનો દાવો કરતો હતો.
ગોળીબાર પછી ઉત્તર પ્રદેશ સરકારે તમામ જિલ્લાઓમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો જારી કર્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હત્યાઓની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી હતી. પ્રયાગરાજ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હોસ્પિટલની આસપાસની દુકાનો બંધ રહી હતી.