આગામી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ભારતમાં 1951 થી અત્યાર સુધીમાં કુલ મતદારોની સંખ્યામાં લગભગ છ ગણો વધારો જોવા મળ્યો છે અને આ વર્ષે આ સંખ્યા 94.50 કરોડનો આંકડો વટાવી ગઈ છે.
જો કે, આમાંથી લગભગ એક તૃતીયાંશ મતદારોએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. આ કારણે ચૂંટણી પંચ વધુને વધુ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.
વર્ષ 1951માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે ભારતમાં 17.32 મિલિયન મતદારોના નોંધણી હતી, અને ત્યારે 45.67% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાછલા અમુક વર્ષોથી નોંધાયેલા મતદારોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે. આ પછી ચૂંટણીઓમાં તેમની ભાગીદારી પણ વધી છે. વર્ષ 1957ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 19.37 કરોડ હતી, જ્યારે 47.74 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
મતદાનની ટકાવારી 75 ટકા સુધી લઈ જવાની ચર્ચા વચ્ચે ચૂંટણી પંચે 30 કરોડ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા ન હતા. આ 30 કરોડ મતદારોની શ્રેણીમાં શહેરી વિસ્તારના લોકો, યુવાનો અને સ્થળાંતર કરનારાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આંધ્રની ગેરેન્ટેડ પેન્શન સ્કીમ મોડલએ કેન્દ્રનું ખેંચ્યું ધ્યાન
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી મતદારોની ઉદાસીનતા તરફ ધ્યાન દોર્યું છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે સૂચિત લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચનો હેતુ મતદાનની ટકાવારી વધારવાનો છે.
વર્ષ 1962ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભાગીદારી 50 ટકાને વટાવી ગઈ, જ્યારે 21.64 કરોડ મતદારોમાંથી 55.42 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2009 સુધીમાં નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા વધીને 71.70 કરોડ થઈ ગઈ હતી, પરંતુ મતદાનની ટકાવારી માત્ર 58.21 ટકા હતી, જે 1962ના મતદાન કરતાં નજીવો વધારો છે.
વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 83.40 કરોડ હતી અને મતદાનની ટકાવારી વધીને 66.44 થઈ હતી. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં 91.20 કરોડ નોંધાયેલા મતદારો હતા અને 67.40 ટકા મતદારો મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા હતા. આ વર્ષે 1 જાન્યુઆરીએ કુલ મતદારોની સંખ્યા 94,50,25,694 હતી.