કોંગ્રેસે લાલ ચોક પર તિરંગો ફરકાવવાને RSSનો એજન્ડા ગણાવ્યો હતો, હવે યૂ-ટર્ન લેતા લાલચોક પર કેમ ફરકાવ્યો તિરંગો?

Bharat Jodo Yatra : કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Written by Ashish Goyal
January 29, 2023 17:34 IST
કોંગ્રેસે લાલ ચોક પર તિરંગો ફરકાવવાને RSSનો એજન્ડા ગણાવ્યો હતો, હવે યૂ-ટર્ન લેતા લાલચોક પર કેમ ફરકાવ્યો તિરંગો?
રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પક્ષના નેતાઓ સાથે રવિવારે લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો(Twitter/INC Manipur)

Bharat Jodo Yatra : એક અઠવાડિયા પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે રાહુલ ગાંધી 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં તેમના પાર્ટી મુખ્યાલય પર ત્રિરંગો ફરકાવશે, લાલ ચોક પર નહીં કારણ કે લાલ ચોકમાં તિરંગો ફરકાવવોએ RSSના એજન્ડાનો ભાગ છે. આ મુદ્દે કોંગ્રેસે યૂ-ટર્ન લેતા રવિવારે કોંગ્રેસે લાલ ચોક પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.

રાહુલગાંધી 30મી જાન્યુઆરીએ PCC ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના હતા કારણ કે અન્ય જગ્યાએ આવું કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. ગઈકાલે સાંજે રાજ્ય પ્રશાસને તેમને લાલ ચોકમાં તિરંગો ફરકાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તે શરત હેઠળ કે તે આજે (29મી જાન્યુઆરી)થવું જોઈએ. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પક્ષના નેતાઓ સાથે લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

તિરંગો ફરકાવવાની તસવીરો પોસ્ટ કરતાં જયરામ રમેશે કહ્યું કે 75 વર્ષ પહેલાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ ચોકમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આજે બપોર બાદ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

આ મહિનાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પ્રભારી, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના નેતા અને પાર્ટીના સાંસદ રજની પાટીલે જમ્મુમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાના આરએસએસના એજન્ડામાં વિશ્વાસ કરતા નથી.

આ પણ વાંચો – મુગલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કરાયું, ભાજપે કહ્યું – ‘ગુલામીની માનસિકતા’નો અંત આવ્યો

લાલ ચોક અથવા રેડ સ્કેવર શ્રીનગર શહેરનું બિઝનેસ કેન્દ્ર, કાશ્મીરના ઉતાર-ચડાવ ભર્યા ઇતિહાસનું સાક્ષી રહ્યું છે. રશિયન ક્રાંતિથી પ્રેરિત ડાબેરી કાર્યકરોએ શ્રીનગર શહેરના મુખ્ય ચોકનું નામ લાલ ચોક રાખ્યું હતું. દાયકાઓથી આ શહેરનું મુખ્ય કેન્દ્ર છે, જેમાં 1980માં બાંધવામાં આવેલ ઘડિયાળ ટાવર છે, તે ઘાટીની પ્રતિસ્પર્ધી રાજકીય વિચારધારાઓનું યુદ્ધક્ષેત્ર રહ્યું છે.

નેશનલ કોન્ફરન્સના સ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાએ કોંગ્રેસ સાથે જોડાણ જાહેર કર્યું ત્યારે જલાહરલાલ નેહરુએ સૌપ્રથમ 1948માં લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તે સમયે લાલ ચોક ખાતેની રેલીમાં નહેરુએ કાશ્મીરના લોકોને આત્મનિર્ણયના અધિકારનો વાયદો કર્યો હતો.

1990માં જ્યારે આતંકવાદ વકર્યો હતો ત્યારે લાલ ચોક આતંકવાદ અને અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હતો. ચર્ચામાં રહેવા માટે આતંકવાદીઓ ઘણીવાર ત્યાં તૈનાત પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને નિશાન બનાવતા હતા. બે વર્ષ પછી ભાજપના તત્કાલીન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ પ્રજાસત્તાક દિવસે લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાની તેમની યોજના જાહેર કરી. 26 જાન્યુઆરી 1992ના રોજ નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના સાથીદારો સાથે જોશી શ્રીનગરમાં હતા, જ્યાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે તેમણે લાલ ચોક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ સમયે આતંકવાદીઓએ શહેરના કેન્દ્રમાં રોકેટનો વરસાદ કર્યો હતો.

ભારત જોડો યાત્રાની માર્ચ પુરી થઇ ગઇ છે.જોકે ચાર મહિનાથી વધારે સમયથી ચાલતી યાત્રા સોમવારે એક જાહેર સભા સાથે સમાપ્ત થશે. જેમાં ઘણા વિપક્ષી નેતાઓ હાજરી આપશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ