કર્ણાટકના પરિણામોથી ભાજપ લેશે બોધપાઠ! 2024માં મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા પાર્ટી રણનીતિમાં ફેરફાર કરશે

Karnataka Election Results 2023 : ભાજપના કેટલાક સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે પાર્ટીનું મહારાષ્ટ્ર એકમ એક કે બે દિવસમાં બેઠક કરશે અને કર્ણાટકના પરિણામોની પોતાના રાજ્યમાં પડનારી અસરનું વિશ્લેષણ કરશે

કર્ણાટકના પરિણામોથી ભાજપ લેશે બોધપાઠ! 2024માં મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા પાર્ટી રણનીતિમાં ફેરફાર કરશે
કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત મેળવી (તસવીર - રણદીપ સુરજેવાલા ટ્વિટર)

શુભાંગી ખાપરે : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રમાં ભાજપ માટે ચેતવણીનો કોલ છે. એવું લાગે છે કે પાર્ટી નેતૃત્વ આમાંથી બોધપાઠ લેશે અને ઓપરેશન લોટસ વ્યૂહરચના પર પુનર્વિચારણા કરશે. ઓપરેશન લોટસની વ્યાપક ટીકા થઈ રહી છે. હવે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ભાજપની સામે બે સવાલ જરૂર ઊભા થશે. પ્રથમ – શું બસવરાજ બોમ્મઈ સરકારની હાર ઓપરેશન લોટસની નિષ્ફળતા સાબિત કરે છે અને બીજું – શું પડોશી રાજ્યની જેમ 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની પણ આવી ગતિ થશે?

ભાજપના કેટલાક સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે કે પાર્ટીનું મહારાષ્ટ્ર એકમ એક કે બે દિવસમાં બેઠક કરશે અને કર્ણાટકના પરિણામોની પોતાના રાજ્યમાં પડનારી અસરનું વિશ્લેષણ કરશે. પાર્ટીના એજન્ડામાં ચૂંટણીની રણનીતિની સાથે એક વ્યાપક મિડ ટર્મ કોર્સ કરેક્શન પણ સામેલ છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલે કહ્યું કે દરેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું પોતાનું ગણિત હોય છે. સ્થાનિક મુદ્દાઓથી માંડીને નેતૃત્વ સુધીની દરેક વસ્તુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્ર અને રાજ્યનું નેતૃત્વ તેનું વિશ્લેષણ કરશે અને જે પણ સુધારાના પગલાંની જરૂર છે તે ટોચની નેતાગીરી દ્વારા લેવામાં આવશે. આપણે બંને ચૂંટણીઓની સરખામણી ન કરી શકીએ.

કર્ણાટક અને મહારાષ્ટ્ર ભાજપમાં ઘણું સામ્ય છે. 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં HD કુમારસ્વામીની આગેવાની હેઠળ કોંગ્રેસ અને JD(S) ગઠબંધને સરકાર બનાવી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતા ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. એક વર્ષની અંદર 2019માં 15 કોંગ્રેસ અને બે જેડી (એસ) ધારાસભ્યોએ રાજીનામું આપ્યા પછી ભાજપે ઓપરેશન લોટસ દ્વારા કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધન સરકાર પાડી દીધી હતી. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તેઓ પેટાચૂંટણી લડ્યા હતા. આ પછી ભાજપ માટે કર્ણાટકમાં 224 સભ્યોના ગૃહમાં 113ના જાદુઈ આંકડાને પાર કરવાનું શક્ય બન્યું હતું.

આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: ભારતમાં કેટલા રાજ્યોમાં છે કોંગ્રેસની સરકાર? આ રહી સંપૂર્ણ યાદી

મહારાષ્ટ્રમાં પણ આવો જ માહોલ છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 288માંથી 105 સીટો જીતી સૌથી મોટી પાર્ટી બની હતી. જોકે શિવસેનાએ (તે સમયે અવિભાજિત) કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા પછી વિપક્ષમાં બેસવાની ફરજ પડી હતી. મહા વિકાસ આઘાડી હેઠળ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.

અઢી વર્ષ પછી ભાજપે ઓપરેશન લોટસ સાથે વળતો પ્રહાર કર્યો અને શિવસેનામાં ભાગલા પાડ્યા હતા. એકનાથ શિંદેની આગેવાની હેઠળ પાર્ટીના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો હતો. આ પછી જૂન 2022માં શિંદે મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે કર્ણાટકના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપના ઓપરેશન લોટસને લોકોએ નકારી કાઢ્યું છે. કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તેમની પાર્ટીને સત્તામાં લાવવા માટે કામ કરતી ભાજપની તોડો અને સરકાર બનાવોની રાજનીતિ નુકસાનકારક સાબિત થઈ રહી છે.

ઓપરેશન લોટસ દ્વારા કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જે રીતે સરકારો બનાવવામાં આવી હતી તેમાં સમાનતા હોવાનું જણાવતા ચવ્હાણ ચેતવણી આપે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન માટે તે ચોક્કસપણે ખતરાની ઘંટડી છે. તેમણે કહ્યું હતું કે નીતિશાસ્ત્રની અવગણના કરવી અને સત્તા જાળવી રાખવા વિરોધીઓને દબાણ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટપણે દુરુપયોગ કરવો એ ભાજપની રાજકીય પેટર્ન બની ગઈ છે, જેને કર્ણાટકના લોકોએ નકારી કાઢી છે.

માત્ર વિપક્ષની વાત નથી. ભાજપના નેતાઓમાં પણ ખાનગીમાં ગભરાટના સંકેતો દેખાઈ રહ્યા છે. બીજેપીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે ઓપરેશન લોટસે અમને સત્તા પર પાછા લાવ્યા પરંતુ એકનાથ શિંદેને સીએમ તરીકે બોર્ડમાં લેવાથી બૂમરેન્જ થઈ ગઈ છે.

મોટી પાર્ટી હોવા છતાં મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાને વિભાજિત કરવાના ઈનામ તરીકે શિંદેને મુખ્યમંત્રી પદ સોંપવાનો નિર્ણય લીધો. તેના વ્યૂહરચનાકારોનું માનવું હતું કે પક્ષના પાયાના સૈનિકો ઉદ્ધવ ઠાકરેથી દૂર જશે અને શિંદે જૂથ સાથે હાથ મિલાવશે. પરંતુ 11 મહિના વીત્યા છતાં તે સાકાર થયું નથી.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીનો મુકાબલો કરવા માટે શિંદેને મરાઠા નેતા તરીકે રજૂ કરવાની ભાજપની રણનીતિ નિષ્ફળ ગઈ છે. તેના બદલે એનસીપીના શરદ પવાર રાજ્યમાં પડકારરૂપ મરાઠા નેતા છે. ભાજપના એક આંતરિક વ્યક્તિએ જણાવ્યું હતું કે કર્ણાટકના પરિણામોને ધ્યાનમાં લીધા વિના ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સમયાંતરે મહારાષ્ટ્ર સહિત દરેક રાજ્ય માટે મતવિસ્તાર મુજબ સમીક્ષાઓ કરી રહ્યું છે.

ભાજપના એક મતદાન મેનેજરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં તેમની મુંબઈ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા માટે 45 બેઠકો અને વિધાનસભા માટે 200થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે એક અત્યંત મહત્વાકાંક્ષી લક્ષ્ય હતું. ભાજપે મહારાષ્ટ્રના 355 તાલુકાઓને આવરી લેતા 36 જિલ્લાઓમાં દરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે એક વિશાળ અભિયાન હાથ ધર્યું છે. 97,000 બૂથ દ્વારા, અમે દરેક કાર્યકર્તાને 10 પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 105 બેઠકો સાથે (25.75 ટકા વોટ શેર) ભાજપ જાણે છે કે તે ખુશ ન રહી શકે.

મેનેજરે કહ્યું હતું કે અમારો વાસ્તવિક ઉદ્દેશ્ય વોટ શેર 25.75 ટકાથી વધારીને 35 ટકા કરવાનો છે. 10 ટકાનો વધારો ભાજપને 145 સીટોના ​​તેના ઇચ્છિત લક્ષ્યાંકને સરળતાથી પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જોકે ભાજપના પોલ મેનેજરોએ ખાનગી રીતે ભાજપ અને શિવસેના (શિંદે) વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર સંકલનના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 122 બેઠકો જીતી હતી અને તેનો વોટ શેર 27.18 ટકા હતો.

કર્ણાટક ચૂંટણી બાદ કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્ર તરફ ધ્યાન દોરે તેવી શક્યતા છે. એકવાર શિંદે અને ફડણવીસ એક સાથે પ્રચાર શરૂ કરશે, તે પાયાના લોકો સુધી પહોંચશે. રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે કાર્યકર સ્તરે સંકલન આવશ્યક છે અને તે માટે અમારે કેડરને સ્પષ્ટ સંકેત મોકલવો પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ