અમૃતપાલ સિંહને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. પંજાબ પોલીસ શનિવારથી જ અમૃતપાલને શોધી રહી છે. આ દરમિયાન મામલો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પહોંચી ગયો છે. અમૃતપાલના ભાગી જવાના મુદ્દે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે મંગળવારે અમૃતપાલ સિંહના ભાગવા પર જાસુસી નિષ્ફળતા માટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
મામલાની સુનાવણી કરતા હરિયાણા અને પંજાબની હાઇકોર્ટની બેન્ચે પંજાબના એડવોકેટ જનરલ વિનોદ ઘઇને કહ્યું કે તમારી પાસે 80 હજાર પોલીસ કર્મી છે છતા પણ તમે અમૃતપાલને પકડી કેમ ના શક્યા.
પંજાબના એડવોકેટ જનરલ વિનોદ ઘઇએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટને જણાવ્યું કે અમૃતપાલ સિંહ સામે એનએસએ લગાવવામાં આવ્યો છે. મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એનએસ શેખાવતની બેન્ચે એડવોકેટ જનરલ વિનોદ ઘઇને સવાલ કર્યો કે તે કેવી રીતે ફરાર થઇ ગયો?
તેના પર એજીએ કહ્યું કે અમે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. તેના પર બેન્ચે સવાલ કર્યો કે અમૃતપાલ સિંહને છોડીને બધાની કેવી રીતે ધરપકડ કરવામાં આવી? બેન્ચે કહ્યું કે તમારી પાસે 80,000 પોલીસ છે. તેની ધરપકડ કેમ ના થઇ? જો તે ભાગી ગયો છે તો તે જાસુસી નિષ્ફળતા છે. પુરી પોલીસ ફોર્સ તેની પાછળ છે.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહના સાથીઓને પંજાબ પોલીસ કેમ લઇ ગઇ 2500 કિમી દૂર અસમમાં?
મુખ્યમંત્રી ભગવંત માને શું કહ્યું
અમૃતપાલ પર પંજાબ પોલીસના એક્શન પછી પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને જનતાને વીડિયો મેસેજથી સંદેશો મોકલ્યો હતો. તેમણે કહ્યું કે પંજાબના લોકો ભાઇચારા માટે ઓળખાય છે પણ કોઇ તેના પર ખરાબ નજર નાખશે તો પંજાબી આ સહન કરશે નહીં.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક તત્વ એવા હતા જે વિદેશી તાકાતોના હાથે ચડીને પંજાબમાં માહોલ ખરાબ કરી રહ્યા છે. હેટ સ્પીચ અને કાનૂન સામે બોલી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને તે પકડાઇ ગયા છે.
કેજરીવાલે પંજાબ સરકારની પ્રશંસા કરી
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબ સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પંજાબમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા અને શાંતિ બહાલ માટે છેલ્લા કેટલાક દિવસોથી માન સરકારે ઘણા સખત પગલા ઉઠાવ્યા છે. હું તેમને અભિનંદન પાઠવું છું. ગત એક વર્ષમાં સરકારે સાબિત કરી દીધું છે કે તમે ઇમાનદાર છો અને તમે પ્રામાણિક હોવ તો કાનૂન વ્યવસ્થા સારી રીતે સંભાળી શકો છો.