electoral bond details : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ભારતના ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડના આલ્ફા ન્યૂમેરિક નંબર સહિતની તમામ વિગતો આપી દીધી છે. એસબીઆઈએ કહ્યું કે હવે અમારી તરફથી કોઈ માહિતી બાકી નથી. અમે ઇલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો ચૂંટણી પંચને સુપરત કરી દીધી છે.
એસબીઆઇ દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલી અધૂરી માહિતી અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને આજે સાંજે પાંચ વાગ્યા પહેલાં તમામ માહિતી રજૂ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે પણ નિર્દેશ આપ્યો હતો કે મળેલી જાણકારીને ચૂંટણી પંચની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવે.
એસબીઆઈએ સોગંદનામું દાખલ કર્યું
એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે કોર્ટના આદેશ અનુસાર અમે ચૂંટણી બોન્ડ સાથે જોડાયેલી તમામ વિગતો ચૂંટણી પંચને નિર્ધારિત સમય પહેલા આપી દીધી છે. આ વખતે જે માહિતી આપવામાં આવી છે તેમાં બોન્ડની આલ્ફા ન્યૂમેરિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, બોન્ડ વટાવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક ખાતાના અંતિમ ચાર ડિજિટ નંબર, રિડીમ બોન્ડની કિંમત અને નંબરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – ઇલેક્ટોરલ બોન્ડ શું છે અને તે કેવી રીતે ખરીદી શકાય? ચૂંટણી બોન્ડથી ક્યાં રાજકીય પક્ષને સૌથી વધુ દાન મળ્યું?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયબર સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીનો આખો બેંક એકાઉન્ટ નંબર, પાર્ટી અને બોન્ડ ખરીદનારની કેવાયસીની જાણકારી શેર કરવામાં આવી નથી.
કોર્ટે વ્યક્ત કરી નારાજગી
18 માર્ચે એસબીઆઈને ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સીજેઆઈએ સવાલ ઉઠાવ્યો કે કોર્ટના આદેશ છતાં એસબીઆઈએ બધી માહિતી કેમ જાહેર કરી નથી. તેમણે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે અમે ઇલેક્ટોરલ બોન્ડ વિશેની તમામ માહિતી ઇચ્છીએ છીએ. કોર્ટે કહ્યું હતું કે જ્યારે અમે કહીએ છીએ કે અમને બધી માહિતી જોઈએ છે, ત્યારે તમામ માહિતી જાહેર કરવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ માહિતી ગુરુવારે 21 માર્ચે સાંજે પાંચ વાગ્યા સુધીમાં એફિડેવિટ દ્વારા કોર્ટને જણાવી દેવી જોઇએ.
15 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ સાથે જ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે સ્ટેટ બેંકને આદેશ આપ્યો હતો કે તેઓ એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં કેટલા ઈલેક્ટોરલ બોન્ડ આપવામાં આવ્યા, કયા રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડથી પૈસા મળ્યા તેની તમામ માહિતી ચૂંટણી પંચને આપે. કોર્ટના આદેશ બાદ 12 માર્ચે એસબીઆઈએ પંચને ઈલેક્ટોરલ બોન્ડની જાણકારી આપી હતી. ચૂંટણી પંચે ગયા ગુરુવારે આ માહિતી સાર્વજનિક કરી હતી.