વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરાવતી રાજધાની શહેરના વિકાસ માટે 58,000 કરોડ રૂપિયાથી વધુની વિભિન્ન પરિયોજનાઓ – રોડ-રસ્તા, રક્ષા, રેલવે અને ઔદ્યોગિક માળખાની પરિયોજનાઓની આધારશિલા રાખી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ગુજરાતના નવા-નવા મુખ્યમંત્રી બન્યા તો તેમણે કયા મુખ્યમંત્રી પાસેથી શીખ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,”જ્યારે હું નવો-નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે મેં હૈદરાબાદમાં ચંદ્રબાબૂ નાયડૂ દ્વારા કરવામાં આવતી પહેલો પર ખુબ જ ધ્યાન આપ્યું હતું. મેં ઘણું બધું શીખ્યું અને આજે મને તેને લાગુ કરવાનો અવસર મળ્યો”. વડાપ્રધાને કહ્યું,” હું મારા અનુભવ પરથી કહું છું કે ભવિષ્ય ટેક્નોલોજી હોય કે મોટા પાયે કામ કરવાનું હોય અને જલ્દી તેને જમીન પર ઉતારવાનું હોય તો તે કામ ચંદ્રબાબૂ નાયડૂ ઉત્તમથી પણ ઉત્તમ રીતે કામ કરી રહ્યા છે.”
અમરાવતી તે ધરતી છે જ્યાં પરંપરા અને પ્રગતિ બંને સાથે ચાલે છે -પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, “આજે જ્યારે હું અમરાવતીની ભૂમિ પર ઉભો છું ત્યારે મને ફક્ત એક શહેર જ નહીં પણ એક સ્વપ્ન સાકાર થતું દેખાય છે. એક નવી અમરાવતી અને એક નવું આંધ્ર, અમરાવતી એ ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે. આજે અહીં લગભગ 60,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ફક્ત કોંક્રિટ બાંધકામ જ નહીં પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓનો મજબૂત પાયો પણ છે.
વડાપ્રધાને કહ્યું – ઇન્દ્રલોકની રાજધાનીનું નામ અમરાવતી હતું
વડાપ્રધાનએ કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે ઇન્દ્રલોકની રાજધાનીનું નામ અમરાવતી હતું પરંતુ હવે અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની છે. આ માત્ર સંયોગ નથી તે સુવર્ણ આંધ્રના નિર્માણનો શુભ સંકેત પણ છે, સુવર્ણ આંધ્ર વિકસિત ભારતના માર્ગને મજબૂત બનાવશે. અમરાવતી સુવર્ણ આંધ્રના વિઝનને ઉર્જા આપશે.”
આ પણ વાંચો: વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકા નીકળી પ્રેગ્નેન્ટ, હવે પોલીસ DNA ટેસ્ટ કરાવશે
પીએમ મોદીએ કહ્યું, “અમે હંમેશા આપણા ખેડૂતોના કલ્યાણ અને હિતોને પ્રાથમિકતા આપી છે.” છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે સસ્તા ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લગભગ 12 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પીએમ પાક વીમા યોજના દ્વારા, આંધ્રપ્રદેશના ખેડૂતોને અત્યાર સુધીમાં 5,500 કરોડ રૂપિયાના દાવા મળ્યા છે. આ ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આંધ્રપ્રદેશના ખેડૂતોને 17,500 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાયનો લાભ મળ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમરાવતી એક એવું શહેર બનશે જ્યાં આંધ્રપ્રદેશના દરેક યુવાનના સપના સાકાર થશે. આગામી વર્ષોમાં અમરાવતી આઇટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા આ તમામ ક્ષેત્રોમાં અગ્રણી શહેર તરીકે ઉભરી આવશે. કેન્દ્ર સરકાર આ બધા ક્ષેત્રો માટે જરૂરી માળખાગત સુવિધાઓ રેકોર્ડ ગતિએ પૂર્ણ કરવામાં રાજ્ય સરકારને સંપૂર્ણ મદદ કરી રહી છે.”