ટ્રેનમાં પેસેન્જરની સુરક્ષાને લઇને ચંડીગઢની એક કન્ઝ્યુમર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપવાની સાથે સાથે જંગી નાણાંકીય દંડ ફટકાર્યો છે. ચંડીગઢની એક ગ્રાહક અદાલતે રેલવે વિભાગને 1 લાખ 55 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. હકીકતમાં ચંડીગઢથી દિલ્હી જઇ રહેલા રામવીર અને તેમની પત્ની મમતા વર્માએ ફરિયાદ કરી હતી કે, 5 નવેમ્બર, 2018ના રોજ ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં એક અજાણ્યા વ્યક્તિએ તેમનું પાકીટ ઝૂંટવી લીધુ, જેમાં સોનાના દાગીના, એક મોબાઇલ ફોન અને 9500 રૂપિયા રોકડ અને અમુક ડોક્યુમેન્ટ હતા.
કન્ઝ્યુમર કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે, જ્યારે કોઈ મુસાફર ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય ત્યારે તેની મુસાફરી સફળ અને સુરક્ષિત રહે તેની ખાતરી કરવાની જવાબદારી રેલવેની છે. આમ કહીને ચંદીગઢ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે રેલવે મંત્રાલયને દંપતીને 1.55 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો.
રાજ શેખર અત્રી અને રાજેશ કે આર્યની ખંડપીઠે રેલવે મંત્રાલય, અંબાલા કેન્ટના ડીઆરએમ, ચંદીગઢના રેલવે અધિક્ષક, નવી દિલ્હીના ડીઆરએમ સામેની ફરિયાદને મંજૂરી આપતાં વધુમાં કહ્યું કે, રેલવે સત્તાવાળાઓએ સામાનની સલામતીની ખાતરી કરવી જોઈએ અને તેમને ટ્રેનમાં સુરક્ષા કર્મચારીઓ એટલે કે સરકારી રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની પણ યોગ્ય સંખ્યા હોય તેના પર ધ્યાન આપવું જોઈએ.
રેલવે વિરુદ્ધ શું ફરિયાદ થઇ હતી
રેલવે વિભાગ વિરદ્ધ અદાલતના દરવાજા ખટખટાવનાર રામવીર અને તેમની પત્ની મમતા વર્માએ ફરિયાદ નોંધવતા કહ્યું કે, જ્યારે ટ્રેન ચંડીગઢ રેલવે જંક્શનથી રવાના થઇ તો રિઝર્વ કોચની અંદર કેટલાંક એવા લોકો ફરી રહ્યા છે જેમની પાસે ટિકિટ ન હતી. અમે તેમની વિરુદ્ધ ટીટીઇને ફરિયાદ પણ કરી હતી. પરંતુ ટીટીઇ એ કોઇ પ્રકારનું ધ્યાન આપ્યં નહીં અને કોચનો દરવાજો પણ બંધ કર્યો ન હતો.
આ પણ વાંચોઃ ટ્રેનના AC કોચમાં ઓછા દરે મુસાફરીની સુવિધા ફરી શરૂ, રેલવે તરફથી ચાદર-ધાબળો પણ મળશે
રામ વીરે આરોપ મૂક્યો કે, જ્યારે ટ્રેન અંબાલા કેન્ટથી નીકળી હતી. ત્યારબાદ કોઈ અજાણી વ્યક્તિએ તેની પત્નીનું પર્સ ઝુંટવી લીધું જેમાં સોનાના દાગીના, એક મોબાઈલ ફોન, 9,500 રૂપિયા રોકડા અને કેટલાક ડોક્યુમેન્ટ હતા. તે વ્યક્તિએ પર્સ ઝૂંટવી લીધું અને ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો. તેઓએ ટીટીઇનો સંપર્ક કર્યો પરંતુ તેઓએ તેમને મદદ કરી ન હતી અને જ્યારે તેઓએ તેમને સુરક્ષા સ્ટાફ એટલે કે GRP અને RPF વિશે પૂછ્યું તો તેઓએ જવાબ આપ્યો કે ટ્રેનમાં કોઈ સુરક્ષા કર્મચારી તૈનાત નથી.