બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તેમની પરવાનગી વિના ઇન્ટરનેટ પર તેમની તસવીરો, નકલી ફોટો, ફેમ વીડિયો અને નકલી ઓડિયોના ઉપયોગ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર દિલ્હી હાઈકોર્ટે હવે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેને ‘ગૌરવ સાથે જીવવાના અધિકાર’નું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ સાથે કોર્ટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ગુગલને નોટિસ જારી કરી છે, જેમાં અભિનેત્રી સાથે સંબંધિત સામગ્રી 72 કલાકની અંદર દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઐશ્વર્યા રાયના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે વેબસાઇટ્સને તેમના નામ અને ચિત્રનો ગેરકાયદેસર ઉપયોગ કરવાથી રોકી છે.
કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ, આઇટી વિભાગ અને આઇટી મંત્રાલયને આવા તમામ URL ને બ્લોક અને નિષ્ક્રિય કરવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવા જણાવ્યું છે. આ સાથે ગુગલ અને ઇ-કોમર્સ વેબસાઇટ્સને પણ આવી બધી સામગ્રીની માહિતી સીલબંધ પરબિડીયુંમાં સબમિટ કરવા કહેવામાં આવ્યું છે.
કોર્ટે કહ્યું છે કે જો કોઈ પ્રખ્યાત વ્યક્તિની ઓળખનો ઉપયોગ તેમની પરવાનગી વિના કરવામાં આવે છે, તો તે વ્યવસાયિક નુકસાન પહોંચાડી શકે છે અને તેમના ગૌરવ સાથે જીવવાના અધિકારને પણ અસર કરી શકે છે.
ન્યાયાધીશ ગિરીશ કઠપાલિયાએ કહ્યું, ‘વાદીએ પ્રથમ દ્રષ્ટિએ કેસ સ્થાપિત કર્યો છે, અને સુવિધાનું સંતુલન પણ તેમના પક્ષમાં છે. વાદીના નામ, ચિત્ર અને તેમના વ્યક્તિત્વ સાથે સંબંધિત અન્ય તત્વોનો દુરુપયોગ સ્પષ્ટપણે ઉલ્લંઘન છે, કારણ કે વાદીની પરવાનગી વિના તેમના નામ, તસવીરો, હસ્તાક્ષર વગેરેનો ઉપયોગ ચોક્કસપણે મૂંઝવણ પેદા કરે છે.