Bihar Elections 2025: બિહાર ચૂંટણી 2025 માટે ભાજપે કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મોટી જવાબદારી સોંપી છે. ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને સહ પ્રભારી બનાવ્યા છે.
બિહાર ચૂંટણી 2025 જીતવા ભારતીય જનતા પાર્ટીએ કમરકસી છે. બિહાર વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર થવાની રાહ જોવાઇ રહી છે એ સંજોગોમાં ભાજપે ચૂંટણી પ્રભારી તરીકે કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત કરી છે. પ્રધાનની સાથોસાથ કેન્દ્રિય મંત્રી સી આર પાટિલ અને ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને ચૂંટણી સહ પ્રભારી બનાવ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઇ રહી છે. દરમિયાન એનડીએ અને મહાગઠબંધન સાથે જોડાયેલ રાજકીય પક્ષો ચૂંટણી કામગીરીમાં લાગી ગયા છે. બિહારની આ ચૂંટણી સ્થાનિક ઉપરાંત રાષ્ટ્રીય સ્તર માટે પણ મહત્વની બની રહી છે. આ સંજોગોમાં આ ચૂંટણી જીતવી એનડીએ અને મહાગઠબંધન માટે આબરુનો સવાલ થયો છે.
કોંગ્રેસ, આરજેડી સાથેના મહાગઠબંધનમાં મુખ્યમંત્રીના ઉમેદવારને લઇને આ મામલો ફસાયો છે જ્યારે ભાજપ એનડીએ આ મામલે સ્પષ્ટ છે અને નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો હોવાની સ્પષ્ટતા કરી છે.
ભાજપ બિહાર ચૂંટણી માટે જ નહીં પરંતુ આગામી વર્ષે યોજાનાર પશ્વિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પણ પ્રભારી જાહેર કરી ચૂક્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત
પશ્વિમ બંગાળ માટે કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભાજપે ચૂંટણી પ્રભારી બનાવ્યા છે જ્યારે બિપ્લવ કુમાર દેવને સહ પ્રભારીની જવાબદારી સોંપી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે બૈજયંત પાંડાને પ્રભારી અને મુરલીધર મોહોલને સહ પ્રભારી બનાવ્યા છે.